કાળઝાળ ગરમીમાં મળશે આંશિક રાહત, 24 કલાક બાદ તાપમાન ઘટવાની શકયતા


રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવમાન વિભાગ દ્વારા ગરમીને લઈને રાહતના સમાચાર આપવામા આવ્યા છે. હવામાન વિભાગે તાજેતરમાં કરેલી આગાહી મુજબ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે. આ સાથે જ કેટલાક ભાગોમાં હીટવેવ અને ઓરેન્જ તેમજ યલો એલર્ટ પણ આપવામા આવ્યું છે.
હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું પ્રમાણ રહેશે પરંતુ તેમાં ઘટાડો થતો જશે. તેમજ આગામી 5 દિવસ હવામાન સુકુ રહેશે અને આ દરમિયાન વરસાદની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે 24 કલાક સુધી તાપમાનનો હાલ પ્રમાણે રહ્યા બાદ તેમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા
અમદાવાદના હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ આગામી 24 કલાક સુધી તાપમાન હાલ જે પ્રમાણે છે તે પ્રમાણે રહેવાની અને 24 કલાક પછી રાજ્યમાં ધીમે-ધીમે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે. આ સાથે જ રાજ્યમાં સિવિયર હિટવેવની આગાહી પણ કરવામા આવી છે.
આ શહેરોમાં હીટવેવ એલર્ટ
આજે સુરત, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને ભાવનગર માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ આવતી કાલે સુરત, પોરબંદર અને જૂનાગઢ માટે હીટવેવ એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા
અમદાવાદ શહેરની વાત કરવામા આવે તો અમદાવાદ તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમજ અમદાવાદમાં આજ માટે ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. અને બે દિવસ યલો એલર્ટ રહેશે.
આ પણ વાંચો : ઉનાળાની ગરમીમા નદીમાં નાહવા જતા હોય તો ચેતજો ! બે પરિવારે એકના એક પુત્રોને ગુમાવ્યા