યુક્રેનની યુરોપિયન યુનિયનમાં જોડાવવા માટેની જીદ્દ પછી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જન્મી હતી. જેના કારણે સમગ્ર વિશ્વએ તેના પ્રત્યક્ષ-પરોક્ષ પરિણામો ભોગવવા પડ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં ઘઉંના પુરવઠાને પણ ભારે અસર પહોંચી છે કારણ કે, તે બંને દેશો ઘઉંના મુખ્ય ઉત્પાદકો છે. કોમોડિટી અને કુદરતી ગેસના ક્ષેત્રમાં આ બંને દેશ વિશ્વના મુખ્ય ઉત્પાદક છે અને ઘઉંના વૈશ્વિક પુરવઠામાં રશિયા-યુક્રેનનો હિસ્સો આશરે 25 ટકા જેટલો છે.
જોકે આ તમામ વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે, રશિયા અને યુક્રેન આખરે અનાજની, ખાસ કરીને ઘઉંની નિકાસ કરવા માટે રાજી થઈ ગયા છે. શુક્રવારના રોજ ઈસ્તંબુલ ખાતે યોજાયેલી બેઠકમાં બંને દેશના પ્રતિનિધિઓએ આ માટે સહમતિ દર્શાવી હતી. સમજૂતી પ્રમાણે યુક્રેનના બ્લેક સી ખાતેના પોર્ટ ઉપર જે 20 કરોડ ટનથી પણ વધારેના અનાજની નિકાસ અટકી પડી છે તેના એક્સપોર્ટ માટે રશિયા મંજૂરી આપશે.
ફેબ્રુઆરી મહિનામાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યાર બાદ અનાજની નિકાસ અટકી પડવાના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉંનું સંકટ સર્જાયું છે અને તેની કિંમતોમાં પણ વધારો થયો છે. સંપૂર્ણપણે ઘઉંની આયાત પર નિર્ભર આફ્રિકા સહિતના અનેક મહાદ્વીપોના દેશોમાં તો સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. અનેક દેશોમાં દુષ્કાળ તો અનેક જગ્યાએ રાજકીય અસ્થિરતા પણ જોવા મળી રહી છે. જોકે આ સમજૂતી બાદ ધીમે-ધીમે સ્થિતિમાં સુધારાની શક્યતા જણાઈ રહી છે.
આ પણ વાંચો : 50 સેકન્ડ….કેમ પુતિન માટે બન્યા કપરા ?
રશિયાને પણ મળ્યું આશ્વાસન
સંયુક્ત રાષ્ટ્ર તથા તુર્કી દ્વારા કરવામાં આવેલા હસ્તક્ષેપ તથા સતત અનેક સપ્તાહો સુધી ચાલેલા વાર્તાલાપ બાદ આ સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રશિયાને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે, તે પણ પોતાના અનાજ અને ખાતરની નિકાસ કરી શકશે. જોકે તે નિકાસ ક્યારે શરૂ થશે તે સ્પષ્ટ નથી. જહાજોના પરિવહનને અટકાવી દેવા માટે રશિયાએ બ્લેક સીમાં બારૂદની સુરંગો બિછાવી રાખી હતી તેને દૂર કરવી પડશે. યુક્રેને પણ રશિયન નૌસેનાને અટકાવવા માટે પોતાના પોર્ટની આજુબાજુ સુરંગો બિછાવી હતી. બંને દેશ વચ્ચે સીઝફાયર મામલે કોઈ સહમતિ નથી સધાઈ માટે હજું પણ જહાજો પર જોખમ ઝળુંબી રહ્યું છે તેમ કહી શકાય.