અમદાવાદમાં આ રોગના કેસમાં અચાનક વધારો થયો, એક જ સપ્તાહમાં 41 દર્દીઓ આવ્યા
- શરદી સહિત વાયરલ ઈન્ફેક્શન અને ટાઈફોઈડના કેસનો રાફડો ફાટયો
- સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1342 કેસ
- છેલ્લા બે સપ્તાહમાં ડેન્ગ્યુના 81 શંકાસ્પદ કેસમાં દર્દીઓને સારવાર અપાઈ
અમદાવાદમાં રોગચાળાના કેસમાં અચાનક વધારો થયો છે. જેમાં સ્વાઈન ફલૂના 21 શંકાસ્પદ પૈકી 8 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યા વધી છે. તેમજ 14 દિવસમાં સોલા સિવિલમાં એચ1એન1 એટલે કે સ્વાઈન ફલૂના 21 શંકાસ્પદ દર્દી નોંધાયા છે.
આ પણ વાંચો: ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-2: રૂપાલા અને ભાજપ સામે આગામી રણનીતિ અંગે આજે બેઠક
શરદી સહિત વાયરલ ઈન્ફેક્શન અને ટાઈફોઈડના કેસનો રાફડો ફાટયો
શહેરમાં તાવ, ખાંસી, શરદી સહિત વાયરલ ઈન્ફેક્શન અને ટાઈફોઈડના કેસનો રાફડો ફાટયો છે, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યા ઘટવાનું નામ લેતી નથી. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1342 કેસ નોંધાયા છે. શહેરમાં સ્વાઈન ફલૂએ ફરી એક વાર માથું ઊંચક્યું છે, એપ્રિલ મહિનાના 14 દિવસમાં સોલા સિવિલમાં એચ1એન1 એટલે કે સ્વાઈન ફલૂના 21 શંકાસ્પદ દર્દી નોંધાયા છે. જે પૈકી 8 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં 11 શંકાસ્પદ કેસ સાથે પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહની સંપત્તિ જાણી રહેશો દંગ
ટાઈફોઈડના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે
ટાઈફોઈડના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે, ગત સપ્તાહે માંડ ચાર કેસ આવ્યા હતા. જોકે છેલ્લા સપ્તાહે અચાનક કેસ વધ્યા છે, ટાઈફોઈડના નવા 41 દર્દી નોંધાયા છે. વાયરલ હિપેટાઈટિસના 7 દર્દી, ઝાડા ઉલટીને લગતા 4 દર્દી નોંધાયા છે. સોલામાં છેલ્લા બે સપ્તાહમાં ડેન્ગ્યુના 81 શંકાસ્પદ કેસમાં દર્દીઓને સારવાર અપાઈ છે, જે પૈકી બે રિપોર્ટ પોઝિટિવ છે. બે સપ્તાહમાં મેલેરિયાના 381 કેસ આવ્યા છે, જે પૈકી એક રિપોર્ટ પોઝિટિવ છે. એ જ રીતે ચિકન ગુનિયાના 14 શંકાસ્પદ કેસ હતા, જે પૈકી એકેય રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.