

ભારતમાં 1લી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી જશે. સરકાર હવે તેમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવા તૈયાર નથી. સરકારના આ નિર્ણયના કારણે પેક્ડ જ્યૂસ, સોફ્ટ ડ્રિંક્સ અને ડેરી પ્રોડક્ટ્સ બનાવનાર અને વેચનારી કંપનીઓને જોરદાર ઝાટકો લાગી શકે છે. 1લી જુલાઈથી આ પ્રતિબંધ લાગુ થયા બાદ બેવરેજ કંપનીઓ પ્લાસ્ટિક સ્ટ્રોની સાથે પોતાની પ્રોડક્ટ નહીં વેચી શકે. તેથી અમૂલ, મધર ડેરી અને ડાબર જેવી કંપનીઓએ સરકારને નિવેદન કર્યું હતું કે તેઓ પોતાના નિર્ણયને થોડો સમય માટે ટાળી દે.
1લી જુલાઈથી આ વસ્તુઓ પર પ્રતિબંધ
પ્લાસ્ટિકની સાથે ઈયર બડ, ફુગ્ગા માટેની પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિકના ઝંડા, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રિમ સ્ટિક, સજાવટ માટે પોલિસ્ટાઈનિન એટલે કે થર્મોકોલ પ્લેટ, કપ, ગ્લાસ, કાંટા ચમચી જેવી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ લાગી જશે. ભારત સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી પ્રદૂષણ ઘટાડવા માટે આ નક્કર પગલું ભર્યું છે.
સ્ટ્રો પર નિર્ભર છે મોટો વ્યવસાય
દેશની સૌથી મોટી ડેરી અમૂલે થોડાં દિવસ પહેલાં સરકારને પત્ર લખીને પ્લાસ્ટિક સ્ટ્રો પરના પ્રતિબંધને ટાળવાનો અનુરોધ કર્યો હતો. અમૂલે કહ્યું હતું કે સરકારના આ નિર્ણયથી દુનિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક દેશના ખેડૂતો અને દૂધની ખપત પર નકારાત્મક પ્રભાવ પડશે.
5 રૂપિયાથી 30 રૂપિયાની વચ્ચેની કિંમતવાળા જ્યૂર અને દૂધવાળા પ્રોડ્ક્ટસનો વપરાશ દેશમાં વધુ છે. અમૂલ, પેપ્સિકો, કોકાકોલા, મધર ડેરી જેવા અનેક કંપનીઓ પેય પદાર્થ પ્લાસ્ટિક સ્ટ્રોની સાતે ગ્રાહકો સુધી પહોંચાડે છે. આ કારણે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર બેનથી બેવરેજ કંપનીઓની મુશ્કેલી વધશે. જો કે સરકારે આ કંપનીઓને સ્પષ્ટ કહી દીધું છે કે વૈકલ્પિક સ્ટ્રો પર વિચાર કરો.

કંપનીઓની મુશ્કેલી વધી
પારલે એગ્રો, ડાબર અને મધર ડેરી જેવી ડેરી પ્રોડક્ટ બનાવનારી કંપનીઓ પેપર સ્ટ્રોની ઈમ્પોર્ટ શરૂ કરી ચુકી છે. જો કે પ્લાસ્ટિક સ્ટ્રોની તુલનાએ પેપર સ્ટ્રોનો ખર્ચો વધુ આવી રહ્યો છે પરંતુ પ્રોડક્ટના વેચાણ માટે કંપનીઓએ કોઈ ઓપ્શન તો યૂઝ કરવો જ પડશે.
સિંગલ યૂઝ પ્લાસ્ટિક શું છે?
સિંગલ યૂઝ પ્લાસ્ટિકને એક વખત ઉપયોગ કર્યા બાદ ફેંકી દેવામાં આવે છે. આ પ્રકારના પ્લાસ્ટિકને રિસાઈકલ પણ નથી કરી શકાતું. મોટા ભાગે સિંગલ યૂઝ પ્લાસ્ટિકને સળગાવી દેવામાં આવે છે કે પછી જમીનની નીચે દાટી દેવામાં આવે છે. આ કારણે પર્યાવરણને લાંબા સમય સુધી નુકસાન પહોંચી શકે છે.
