દિવાળીબિઝનેસલાઈફસ્ટાઈલ

ભારતમાં ખરેખર મંદી નથી ! દિવાળી ઉપર ખરીદાયા રૂ.25 હજાર કરોડના દાગીના

Text To Speech

એક તરફ વિશ્વ આખું મંદીની કગાર ઉપર ઉભું છે તેવામાં ભારતની સ્થિતિ સારી હોવાનું સરકાર જણાવી રહી છે પણ લોકો કહે છે કે બજારમાં ખૂબ જ મંદી છે ત્યારે આજે એક એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે જેને જોતા ભારતમાં મંદી છે જ નહીં તે સાબિત થઈ ગયું છે. બે વર્ષની સુસ્તી બાદ આખરે સોના અને ઝવેરાતનું બજાર ચમક્યું છે. કોવિડ બાદ આ વખતે ધનતેરસમાં લોકોએ જોરદાર ખરીદી કરી હતી. આર્થિક અનિશ્ચિતતાઓ હોવા છતાં, આગામી કેટલાક મહિનામાં વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે સોના અને ચાંદીનું વેચાણ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું.

AIJGF ના અનુમાન મુજબ વેપારીઓ ઉત્સાહિત થયા

ઉદ્યોગ મંડળ ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF)ના અંદાજ મુજબ, ધનતેરસ દરમિયાન સોના અને ચાંદીના સિક્કાની સૌથી વધુ માંગ હતી. આ સિવાય સોનાની લગડીઓના વેચાણે આ વખતે નવી ઊંચાઈ હાંસલ કરી છે. AIJGFના અનુમાન મુજબ, દેશમાં બે દિવસીય ધનતેરસ દરમિયાન સોના અને ચાંદીના સિક્કા, મૂર્તિઓ અને વાસણોનું વેચાણ 25,000 કરોડ રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. શનિવાર (22 ઓક્ટોબર) અને રવિવારે (23 ઓક્ટોબર) ધનતેરસના અવસર પર દેશભરના બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે કોવિડ રોગચાળાને કારણે બજારમાં બે વર્ષની મંદી પછી, બજારોમાં ગ્રાહકોના ધસારાએ વેપારીઓને ઉત્સાહિત કર્યા છે.

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સોનાની માંગમાં 80 ટકાનો વધારો દેખાયો

AIJGFના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ કહ્યું- ‘ભારતીય ગોલ્ડ ઈન્ડસ્ટ્રી કોવિડ સંકટમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગઈ છે. કારણ કે ભારતમાં સોનાની માંગ તેના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આર્થિક પ્રવૃતિમાં મજબૂત તેજી અને ઉપભોક્તા માંગમાં સુધારા બાદ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્થાનિક બજારમાં ભારતની સોનાની માંગમાં 80 ટકા સુધીનો વધારો નોંધાયો છે. બીજી તરફ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર લક્ષ્મી અય્યરના જણાવ્યા અનુસાર, દિવાળી માટે ખરીદદારોની યાદીમાં સોનું ટોચ પર છે. આ વખતે આર્થિક અનિશ્ચિતતા સોનાની માંગ વધારવામાં ભૂમિકા ભજવી શકે છે. જ્વેલર્સે પણ ખરીદદારોમાં ટ્રેન્ડ જોયો છે. સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના MD અને CEO સુવંકર સેન કહે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ફર્મે ધનતેરસના દિવસે ખરીદી માટે જ્વેલરીની ઘણી પ્રી-બુકિંગ જોઈ છે.

લગ્નની સિઝનમાં સોનાનું વેચાણ વધશે 

ઉલ્લેખનીય છે કે, ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. એટલા માટે લોકો મોટા પાયે સોના અને સોનાના દાગીના ખરીદે છે. કોવિડના તમામ નિયંત્રણોમાંથી મુક્ત થયા બાદ આ વખતે ધનતેરસના દિવસે ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. દિવાળી પછી લગ્નની સિઝન શરૂ થવાની છે. આવી સ્થિતિમાં આગામી મહિનાઓમાં પણ સોનાનું વેચાણ વધશે તેવી વેપારીઓની અપેક્ષા છે.

Back to top button