કેરળમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમન બાદ 15 દિવસમાં ગમે ત્યારે ગુજરાતમાં વરસાદની પધારમણી થતી હોય છે. કેરળમાં પ્રવેશ કર્યાના ચાર દિવસ પછી કર્ણાટકમાં ત્યારબાદ મહારાષ્ટ્ર અને ત્યાંથી ચોમાસું આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ કરતું હોય છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ લોકોએ વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફરક નહીં જોવા મળે. આ ઉપરાંત પહેલી જૂનથી તાપસમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે. હાલમાં રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, હાલમાં પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા મામલે હવામાન વિભાગનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, કેરળમાં ચોમાસાનું આગમન થયું છે, કર્ણાટક સુધી પહોંચતા 4 દિવસ થશે. કર્ણાટક બાદ મહારાષ્ટ્ર સુધી પહોંચે તે બાદ ગુજરાત અંગેની માહિતી આપવામાં આવશે. હાલ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે, હાલ કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ નથી. હાલ પ્રિ મોનસૂન એક્ટિવિટી પણ મોટાપાયે જોવા મળશે નહિ.
જોકે, એક તરફ ગુજરાતમાં ભલે વરસાદ ન હોય, પરંતુ દરિયો તોફાની બનવાની શક્યતા છે. દ્વારકાના માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે. આગામી 5 દિવસ સુધી 40-60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઓખા, સલાયા સહિતના માછીમારોને આપવામાં સૂચના અપાઈ છે. દરિયામાંથી માછીમારોને પરત લાવવા કામગીરી હાથ ધરાઈ છે.