વર્ષ 2017 કરતા આ વર્ષની ચૂંટણીમાં નોટાની ટકાવારીમાં થયો નોંધપાત્ર ઘટાડો, જાણો નોટાને કેટલા વોટ મળ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મોદી મેજીક જોવા મળ્યો છે. આ પરિણામોમાં ભાજપે 53 ટકા વોટ શેર સાથે 156 બેઠકો મેળવી છે. જે 60 વર્ષના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ છે. ભાજપે આ વખતે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ભાજપની આ જીતનો શ્રેય દેશના વડાપ્રધાન મોદીને ફાળે છે. મોદીની લોકપ્રિયતાના કારણે આ વખતની ચૂંટણીમાં નોટામાં મત આપનારાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
નોટામાં મત આપનારાઓની સંખ્યા ઘટી
ભાજપની આ ભવ્ય જીતનો શ્રેય પાર્ટીના નેતાઓ પણ PM મોદીને જ આપે છે. તેમણે ચૂંટણી પહેલા ગુજરાતમાં જંગી જનસભાઓ કરીને લોકોનું દીલ જીતી લીધુ છે. જેના કારણે ભાજપે આજે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. વિપક્ષોએ ગુજરાતમાં સીટો લાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છતા પણ ભાજપને માત આપી શક્યા નહી. અને ભાજપે એક ઐતિહાસિક જીત હાંસલ કરી દીધી છે. ભાજપે આ વખતે કોંગ્રેસના વર્ષો જુના ગઢને પણ તોડી પાડ્યા છે. અને આ વખતે નોટામાં મત આપનારાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ વખતે નોટામાં 1.5 ટકા જ મત પડ્યા છે.
ચૂંટણીપંચે જાહેર કર્યા આંકડા
ચૂંટણીપંચના જણાવેલ આંકડા મુજબ આ ચૂંટણીમાં ભાજપને 52.5 ટકા વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસને માત્ર 27.2 ટકા વોટ મળ્યા છે. આ ચૂંટણીમાં ભાજપને 57 બેઠકોનો ફાયદો થયો છે. કોંગ્રેસને 60 બેઠકો ગુમાવી પડી છે.
નોટાને મળ્યા 1.5 ટકા વોટ
વિધાનસભાની આ ચૂંટણીમાં 5,01,202 એટલે કે 1.5 ટકા મત ‘NOTA’ને મળ્યા છે, જે 2017ની વિધાનસભા ચૂંટણીમાં મળેલા વોટ કરતા ઓછા છે. ખેડબ્રહ્મા બેઠક પર સૌથી વધુ 7,331 મત NOTAને મળ્યા છે. ત્યારબાદ દાંતામાં 5,213 અને છોટા ઉદેપુરમાં 5,093 મત NOTAને મળ્યા છે. દેવગઢ બારિયામાં 4,821, શહેરામાં 4,708, નિઝરમાં 4,465, બારડોલીમાં 4,211, દસક્રોઈમાં 4,189, ધરમપુરમાં 4,189, ચોર્યાસીમાં 4,169, સંખેડામાં 4, 143, વડોદરા શહેરમાં 4,022 અને કપરાડામાં 4,020 મત નોટાને મળ્યા છે.