ગુજરાત ભાજપમાં નવા જૂનીના એંધાણ, ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાય તેવી શક્યતા , જાણો કોને મળી શકે છે આ જવાબદારી
લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્ય સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. ભાજપે તાજેતરમાં ચાર રાજ્યોના પ્રમુખ બદલ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખ બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે શું સી આર પાટીલનું પત્તુ કપાશે કે કેમ ? અને જો તેમનું પત્તુ કપાશે તો તેમનુ સ્થાન કોને સોંપાવામા આવશે તે અંગે પણ હાલ ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીને લઈને અટકળો તેજ
ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ CR પાટીલની ટર્મ આગામી સમયમાં પૂરી થઈ રહી છે. તેમણી ટર્મ પૂરી થાય એ અગાઉ જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામને લઈને કેટલીક અટકળો ચાલી રહી છે. કેટલીક અટકળો મુજબ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઇફેક્ટ ભાજપના પ્રદેશ પ્રમુખ માટેની વરણીમાં જોવા મળી શકે છે. જ્યારે સીઆર પાટીલની ટર્મમાં વધારો ન કરીને ભાજપ તેમને કેન્દ્રીય સ્તરે જવાબદારી સોંપી શકે છે. તો બીજી તરફ સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલને યથાવત રાખવામાં આવી શકે છે.
રાજ્યસભાની ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ શકે છે
બીજી તરફ ગુજરાતમાં તારીખ 24 જુલાઈ, 2023ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ શકે છે. જેમાં ત્રણ બેઠક પૈકી એક બેઠક પર એસ. જયશંકરને ભાજપ રિપીટ કરી શકે છે. જ્યારે બાકીની બે બેઠક માટે ઓબીસી તથા ક્ષત્રિય નેતાની પસંદગી થઈ શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ ભાજપ રાજ્યસભામાં ગુજરાતના એક સિનિયર નેતાને લઈ જવા માગે છે.જોકે છેલ્લી ઘડીએ ભાજપ સરપ્રાઈઝ આપે તો નવાઈ નહીં.
આ પણ વાંચો : રાજ્યમાં ગત વર્ષ કરતાં કાર્ડિયાકના કોલમાં ચિંતાજનક વધારો, પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિને થાય છે હૃદય સંબધિત સમસ્યા