…તો સેંકડો મુસ્લિમ મહિલાઓ મંદિરની સામે લાઉડસ્પીકર પર કુરાન વાંચશે: રૂબીના ખાનુમ


સમગ્ર દેશમાં મસ્જિદમાંથી લાઉડ સ્પીકર હટાવવાનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. ત્યારે તેની સામે હિન્દુ સંગઠનોએ પણ હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી છે. તે જ સમયે, હવે લાઉડસ્પીકર મુદ્દે સપાના મહિલા નેતા રૂબીના ખાનુમે કહ્યું કે, ‘જો હિન્દુવાદીઓ મુસ્લિમ ધર્મને નિશાન બનાવીને મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડ સ્પીકર હટાવવાનો પ્રયાસ કરશે તો સેંકડો મહિલાઓ વિરોધ કરશે. સેંકડો મુસ્લિમ મહિલાઓ મંદિરો સામે બેસીને કુરાન વાંચશે.’ અલીગઢમાં 21 જગ્યાએ લાઉડ સ્પીકર લગાવીને હિન્દુવાદીઓએ હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કર્યા બાદ એસપી મહિલા સભાના મહાનગર પ્રમુખ રૂબીના ખાનુમ ભડક્યાં હતા અને નિવેદનબાજી શરૂ કરી હતી.
વહીવટી તંત્રને અરાજકતા રોકવા અપીલ
સપાના નેતા રૂબિના ખાનુમે કહ્યું કે, ‘લાઉડ સ્પીકર વિવાદ BJYM અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) બનાવી રહ્યો છે. રમઝાનના પવિત્ર મહિનામાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.’ તેમણે વહીવટીતંત્રને આવા તત્વો પર રોક લગાવવા પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જો કોઈ બીજા ધર્મની પૂજા પ્રણાલીને નુકસાન પહોંચાડશે તો સેંકડો મુસ્લિમ મહિલાઓ મંદિરની સામે લાઉડ સ્પીકર પર કુરાનનો પાઠ કરશે.
અન્ય જગ્યાએ પણ લાઉડ સ્પીકરનો મુદ્દો ગરમાયો
મહત્ત્વનું છે કે, દેશભરની મસ્જિદોના લાઉડસ્પીકરથી અઝાનનો મુદ્દો ગરમાયો છે. મહારાષ્ટ્રમાં જ્યાં રાજ ઠાકરેએ ખુલ્લી ચેતવણી આપી છે, ત્યાં યુપી સહિત અનેક રાજ્યોમાં લાઉડસ્પીકરનો મુદ્દો જોર પકડી રહ્યો છે.