સલમાન ખાનની બહેનના ઘરે થઈ ચોરી, આરોપીને પોલીસે ઝડપ્યો
કાનની બુટ્ટીઓ ચોરાઈ જતાં અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા ખાને મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. પોલીસે કેસ નોંધ્યા બાદ ઝડપ બતાવી અને આરોપીને પકડી પાડ્યો. અર્પિતાએ પોલીસને જણાવ્યું કે જે બુટ્ટીઓ ચોરાઈ છે તેની કિંમત 5 લાખ રૂપિયા છે. જે દિવસે પોલીસે કેસ નોંધ્યો, તે જ રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી.
પોલીસે જણાવ્યું કે અર્પિતાના ઘરે ચોરી તેના જ ઘરમાં કામ કરતા 30 વર્ષના નોકર દ્વારા કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીનું નામ સંદીપ હેગડે છે. આ વ્યક્તિ મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં રહે છે. અર્પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે તેની હીરાની બુટ્ટી મેકઅપ ટ્રેમાં રાખી હતી, જે મળી રહી ન હતી. આ ઘટના 16મી મે ની છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંદીપ હેગડે 11 લોકોના સ્ટાફમાંથી એક હતો જે છેલ્લા 4 મહિનાથી અર્પિતા ખાનના ઘરે કામ કરી રહ્યો હતો. ચોરી કર્યા બાદ તે કોઈને જાણ કર્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો. તેના ઘરમાં તપાસ કરતા ચોરીનો સામાન મળી આવ્યો હતો. તે હવે પોલીસ કસ્ટડીમાં છે. સંદીપ હેગડે વિરુદ્ધ આઈપીસીની કલમ 381 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે અર્પિતા તેના પતિ આયુષ શર્મા અને બે બાળકો આયત અને આહિલ સાથે રહે છે.
આ પણ વાંચો: પાકિસ્તાને ક્રિપ્ટોકરન્સી પર કેમ મૂક્યો પ્રતિબંધ? જાણો વિગત