ગુજરાત

મોરબીમાં સિરામીક કર્મચારીના સ્કુટરની ડેકીમાંથી રૂ.10.58 લાખની ચોરી

Text To Speech
મોરબી સિરામીક ફેક્ટરીના કર્મચારીને કોઈ અજાણ્યો તસ્કર ગઠિયો ભેટી જતાં આંગડિયા પેઢીમાંથી રોકડ લઈ એક્સેસની ડેકીમાં રૂપિયા રાખવા ભારે પડ્યા હતા. કારણકે અજાણ્યા શખસે નજર ચુકવી રૂ.10.58 લાખની રોકડ ચોરી કરી લીધી હતી.
કર્મચારી મુંબઈની પેઢીમાંથી આવેલા રૂપિયા લેવા ગયા હતા
મળતી માહિતી મુજબ મોરબીની આજીવીટો સિરામીક ફેક્ટરીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરતા હેમાંગભાઇ ભરતભાઇ સંઘવીએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમને ધરતી ટાવરમાં આવેલા એચએમ આંગડિયા પેઢીમાંથી મુંબઈની પેઢીએ મોકલાવેલા રોકડા રૂપિયા 10 લાખ 58 હજાર 900નું પેમેન્ટ આવ્યું હોવાનો ફોન આવ્યો હતો. તેમણે એક્સેસ મોટર સાયકલ લઈ રોકડ મેળવી પોતાના એક્સેસની ડેકીમાં રાખ્યા હતા.
દીકરીનો બર્થડે હોવાથી ફરસાણની દુકાને જાંબુ અને બેકરીમાં કેક લેવા ગયા હતા
બાદમાં આ રોકડ લઈ તેઓ પોતાની દીકરીનો જન્મ દિવસ હોવાથી શનાળા રોડ ઉપર આવેલી મહાવીર ફરસાણ નામની દુકાને જામ્બુ લેવા ગયા હતા. ત્યાંથી રવાપર રોડ ઉપર ડાયમંડ બેકરીએ કેકના ઓર્ડરનું શુ થયું? તેની તપાસ કરવા માટે મોટર સાયકલ રેઢું મૂકીને ગયા હતા. બાદમાં જ્યારે તેઓ ઘરે પહોંચી રોકડ રકમ કાઢવા જતાં એક્સેસની ડેકી ખુલ્લી હોવાનું અને ડેકીમાં રાખેલા રોકડા રૂપિયા ગાયબ હોવાનું જણાયું હતું. જેથી ફરી મહાવીર ફરસાણ અને ડાયમંડ બેકરીએ પહોંચી તપાસ કરી સીસીટીવી ચેક કરતાં કશું જોવા ન મળતા અંતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Back to top button