ટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં જી-20 માટે મૂકવામાં આવેલા સેંકડો સુશોભન પ્લાન્ટના કુંડા ચોરાયા

Text To Speech

ગયા મહિને રાજધાની નવી દિલ્હીમાં જી-20 શિખર બેઠક માટે મૂકવામાં આવેલા સેંકડો સુશોભન પ્લાન્ટના પ્લાસ્ટિકના કુંડા લોકો ચોરી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. સોશિયલ મીડિયા ઉપર આવી ચોરીના વાયરલ થયેલા ફોટાને આધારે પ્રકાશિત એક અહેવાલ મુજબ, દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમની આસપાસ ગોઠવવામાં આવેલા પ્લાન્ટના પ્લાસ્ટિકના મોટામોટા કુંડા કેટલીક મહિલાઓ અને તેમનાં બાળકો ચોરી ગયા હતા.

આ ઘટના મંગળવારે, ત્રીજી ઑક્ટોબરે બની હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. વાયરલ ફોટોમાં જોવા મળે છે કે, આ વિશાળ કુંડાને જ્યાં હતા ત્યાં જ ઊંધા પાડીને તેમાંથી માટી કાઢી નાખવામાં આવી અને કુંડા ઉઠાવીને લઈ જવામાં આવ્યા.

જી-20ના આયોજકોએ આ કુંડા મૂક્યા હતા અને શિખર બેઠક પહેલાં અને બેઠક દરમિયાન આ સમગ્ર વિસ્તારમાં પોલીસ તેમજ અન્ય ખાનગી સલામતી કર્મચારીઓ તહેનાત હતા, પરંતુ શિખર બેઠક પૂરી થયા બાદ આ સમગ્ર વિસ્તારમાં પોલીસ તેમજ તંત્રની કોઈ દેખરેખ ન રહેતા ચોરીની માનસિકતા ધરાવતી પ્રજાની દાનત બગડી હતી અને ધીમે ધીમે કુંડા જેવી ચીજો ચોરવાનું શરૂ કર્યું હતું.

આમાંથી ઘણા પ્લાન્ટ જંગલ વિભાગમાંથી તેમજ વિવિધ નર્સરીમાંથી લાવવામાં આવ્યા હતા. દિલ્હીના પીડબલ્યુડી વિભાગે પણ અમુક પ્લાન્ટની વ્યવસ્થા કરી હતી. આ અંગે ચોરી PWD વિભાગે પ્રત્યાઘાત આપતા કહ્યું હતું કે, આવી બધી ચોરી અમારા માટે કાયમ માથાનો દુખાવો છે. PWDના અધિકારીઓએ કહ્યું કે, ગયા મહિને દિલ્હી ગેટ પાસેના ત્રણ ફુવારાની નોઝલો લોકો ચોરી ગયા હતા. એ ઉપરાંત વીજળીના ઉપકરણો તેમજ સુશોભન માટે મૂકાયેલી લાઇટો પણ લોકો ચોરી જાય છે.

આ પણ વાંચોઃ G-20 ખાતે PM મોદીના સંબોધન દરમિયાન નેમપ્લેટ પર ‘ભારત’ લખેલું જોવા મળ્યું

Back to top button