ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુરમાં ખડકાયેલો કચરાનો ઢગ નહીં ખસેડાય તો યુવકે આપી આત્મવિલોપનની ચીમકી

  • રવિ સોની એ ફેસબુક પર લાઈવ કર્યું

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના વહીવટી મથક પાલનપુરમાં માલણ દરવાજા પાસે શહેરમાંથી એકત્ર થતા કચરાનો ઢગ ખડકાય છે. આમ જાણે પાલનપુરમાં પીરાણાનો કચરાનો ડુંગર હોય તેવી સ્થિતિ છે. જેને ખસેડવાની અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી પાલનપુરના એક યુવકે 40 દિવસમાં જો આ કચરાનો ઢગ નહીં ખસેડાય તો પાલિકામાં આવીને આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. જેને લઈને શહેરમાં ચકચાર મચી ગઈ છે.

આત્મવિલોપન-humdekhengenews

પાલનપુર શહેરનો વિકાસ ચારે તરફ થઈ રહ્યો છે. જેમાં શહેરમાંથી પાલિકા દ્વારા એકત્ર કરાતો હજારો ટન કચરો ટ્રેક્ટરો ભરીને શહેરના માલણ દરવાજા પાસે નાખવામાં આવે છે. આ સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે. પરિણામે બે માળ જેટલો ઊંચો કચરાનો ગંજાવર ઢગ ખડકાયો છે. આ કચરાનો ઢગલો હવે માલણ દરવાજા જવાના રોડ સુધી આવી ગયો છે. જેને લઈને આજુબાજુના 30 ગામના લોકોને આ માર્ગ ઉપર ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

 

ક્યારેક અહીંયા મૃત ઢોરને પણ નાખવામાં આવતા હોવાથી આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પણ દુર્ગંધના કારણે રહેવું મુશ્કેલ બન્યું છે. જેને લઇને સ્થાનિક લોકોમાં પણ રોષ વ્યક્ત થઈ રહ્યો છે. જ્યારે આ અંગે પાલનપુરના યુવક રવિ સોનીએ ફેસબુક પર પોતાનો લાઈવ વિડીયો શેર કર્યો છે. જેમાં પાલિકાને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કચરાના ઢગલાને અહીંયાથી ખસેડવાની કોઈ દરકાર લેવામાં આવી નથી.

આત્મવિલોપન-humdekhengenews

તેમ જણાવીને આ વીડિયોમાં કચરો ખસેડવા તેમને પાલિકાને 40 થી 50 દિવસની મહેતલ પણ આપી છે. અને એમ પણ જણાવ્યું છે કે, જો આ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો પાલિકાના સેનિટેશન સમિતિના ચેરમેનની ચેમ્બર આગળ આવીને આત્મવિલોપન કરીશ. તેવી ચીમકી ઉચ્ચારી છે. રવિ સોનીની આ આત્મવિલોપનની ચીમકીના પગલે શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આત્મવિલોપન-humdekhengenews

અગાઉ અંકિતા ઠાકોરે ધરણા કર્યા હતા

પાલનપુર નગરપાલિકામાં કોંગ્રેસના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા અંકિતા ઠાકોરે પણ અગાઉ આ ગંજાવર કચરાના ઢગલા ને ખસેડવા માટેની ઉગ્ર રજૂઆત કરી હતી. અને કાર્યકરો સાથે માલણ દરવાજાના કચરાના ઢગ નજીક હાથમાં પ્લે કાર્ડ લઈને પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રચ્ચાર પોકાર્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. છતાં પણ આગળ કોઈ જ કાર્યવાહી થઈ ન હતી. જ્યારે કચરાના આ ઢગલા ને ખસેડવાને લઈને શહેરીજનોમાં પણ રોષ પ્રસરેલો છે.

આ પણ વાંચો : ગુજરાતના ભાવનગર ખાતે ચાઇનાએ મોકલ્યો “કોરોના વાયરસ”

Back to top button