ટ્રેન્ડિંગનેશનલ

ટ્રેનમાં બેઠેલો યુવક મૃત્યુ પામ્યો હતો, કલાકો સુધી કોઈને ખબર ન પડી

  • 303 કિલોમીટરનું ટ્રેને અંતર કાપ્યું ત્યારે લોકોને ખબર જ પડી કે સીટ પર મૃતદેહ પડ્યો છે
  • ટ્રેનમાં મુસાફરી દરમિયાન વિન્ડો સીટ પર બેઠેલા યુવકનું મૃત્યુ
  • વિન્ડો સીટ પર બેઠેલા યુવકનું મૃત્યુ કડકડતી ઠંડીના કારણે થયું

મધ્યપ્રદેશ, 19 ડિસેમ્બર: શિયાળાની ઋતુ ચાલી રહી છે, એવામાં ગુજરાતમાં પણ છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે મધ્યપ્રદેશમાં ભારે ઠંડી પડી રહી છે. વધી રહેલી ઠંડીના કારણે મધ્યપ્રદેશના એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવક ટ્રેનની જનરલ બોગીમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે યુવકને ભારે ઠંડી લાગવાને કારણે તે મૃત્યુ પામ્યો છે. ટ્રેનમાં હાજર મુસાફરોને લાંબા સમય સુધી તેની કોઈને ખબર પણ ન પડી. મામલો કામાયની એક્સપ્રેસનો છે જેમાં યુવક સિંગલ વિન્ડો સીટ પર બેસીને મુસાફરી કરી રહ્યો હતો.

ટ્રેનની વિન્ડો સીટ પર બેઠા-બેઠા યુવકનું મૃત્યુ

બેતુલનો રહેવાસી આ મુસાફર જનરલ બોગીની સિંગલ વિન્ડો સીટ પર બેઠો હતો. આ દરમિયાન ઠંડીના કારણે યુવાન તેની સીટ પર જ મૃત્યુ પામ્યો હતો, પરંતુ નજીકમાં બેઠેલા મુસાફરોને તેના મૃત્યુની ભનક પણ પડી ન હતી. લોકોને તો એવુ લાગ્યું કે તે સીટ પર બેસીને સૂઈ રહ્યો છે. આ દરમિયાન ટ્રેને લગભગ 303 કિલોમીટરનું અંતર કાપ્યું અને યુવકનો મૃતદેહ સીટ પર પડ્યો રહ્યો. જ્યારે ટ્રેન ઈટારસીથી દમોહ પહોંચી ત્યારે યુવકના શરીરમાં કોઈ હિલચાલ ન હોવાથી લોકોને શંકા ગઈ હતી, ત્યારે ચેક કરતાં ખબર પડી કે યુવકનું મૃત્યુ થઈ ગયું છે.

મુસાફરોએ રેલવે કંટ્રોલને ફોન કરી જાણ કરી

લાંબા સમય બાદ જ્યારે તે બોગીમાં હાજર મુસાફરોને યુવકના મૃત્યુની ખબર પડી તો તેઓએ રેલવે કંટ્રોલને ફોન કરીને તેની જાણ કરી. જે બાદ સોમવારે સવારે 9 વાગે ટ્રેન દમોહ સ્ટેશને પહોંચ્યા બાદ યુવકનો મૃતદેહ ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

યુવક પાસે મળેલી ટિકિટ બેતુલ સુધીની હોવાનું દર્શાવ્યું હતું. તેણે ઈટારસીથી બેતુલ જવા માટે ટ્રેનની મુસાફરી પસંદ કરી હતી, પરંતુ ઘરે પહોંચતા પહેલા જ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેનું મૃત્યુ થયું હતું. તપાસ બાદ તબીબોએ જણાવ્યું કે મૃત્યુ ઠંડીના કારણે થયું છે.

પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો

જીઆરપીએ યુવાન પાસેથી મળેલા મોબાઈલ નંબર પર ફોન કરીને પરિવારને મૃત્યુની જાણકારી આપી, ત્યારબાદ પરિવારના સભ્યો સાંજ સુધીમાં દમોહ પહોંચ્યા અને મૃતદેહને પોતાની સાથે લઈ ગયા. પરિવારજનોએ જણાવ્યું કે યુવક એસી કંપનીમાં નોકરી કરતો હતો અને તે સંબંધમાં તે છનેરા ગયો હતો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેણે તેના પરિવારના સભ્યો સાથે પણ વાત કરી હતી. તેમના આકસ્મિક અવસાન બાદ પરિવારજનો પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે.

આ પણ વાંચો: બિહારઃ પૂજારીની હત્યા પ્રેમિકાએ જ કરી હોવાનો ખુલાસો, જાણો કારણ

Back to top button