- દાનિશે ગુર્દાના ભાગે બંને કેપ્સુલ સંતાડી દીધી હતી
- એરપોર્ટ પોલીસે ગુનો નોંધી મહિલા સહિત પાંચ આરોપીને ઝડપી લીધા
- શખ્સે એટીએસના અધિકારી તરીકે ઓળખ આપી લૂંટયો
યુવક દુબઈથી રૂ.50 લાખનું સોનું છુપાવીને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો અને લૂંટાયો હતો. દુબઈથી 50 લાખનું સોનું ગુર્દાના ભાગે છુપાવીને લાવેલો દાણચોર અમદાવાદ-એરપોર્ટ પર લૂંટાયો છે. તેમાં પાંચ શખ્સે ATSના અધિકારીની ઓળખાણ આપી અપહરણ કર્યા બાદ લૂંટી લીધો હતો.
એરપોર્ટ પોલીસે ગુનો નોંધી મહિલા સહિત પાંચ આરોપીને ઝડપી લીધા
દાણચોરને એક ફ્લેટમાં લઈ જઈ ખેલ પાડયો હતો. ત્યારે પાંચેય આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે દબોચી લીધા હતા. વડોદરાનો યુવક દાણચોરી કરવા દુબઈથી ગુર્દાના ભાગે 50 લાખનું સોનું છુપાવીને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો અને ઇમિગ્રેશન બાદ બહાર પણ આવી ગયો હતો. જોકે, એરપોર્ટ પરથી એટીએસના અધિકારી તરીકે ઓળખ આપી અજાણ્યા શખ્સે તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવકને એક ફ્લેટમાં લઇ ગયા હતા, જ્યાં ગુર્દામાંથી 50 લાખનું સોનું કાઢી લૂંટી લીધો હતો. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી મહિલા સહિત પાંચ આરોપીને ઝડપી લીધા છે.
આ પણ વાંચો: અમદાવાદની હવાના પ્રદૂષણમાં સતત વધારો, આ વિસ્તાર બન્યો ઝેરી!
દાનિશે ગુર્દાના ભાગે બંને કેપ્સુલ સંતાડી દીધી હતી
વડોદરામાં 21 વર્ષીય દાનિશ આરીફભાઇ શેખ પરિવાર સાથે રહે છે. દાનિશના પિતાના મિત્ર જાકીરભાઈએ તેને જણાવ્યું હતું કે, એક મિત્ર અમ્માર દુબઈ ખાતે રહે છે તેની પાસેથી ગોલ્ડ લાવવાનું છે. તેની ટિકિટ હું કરાવી આપીશ અને ગોલ્ડ આવ્યા બાદ 20 હજાર રૂપિયા પણ આપીશ. આથી ગત 9 ઓક્ટોબરે દાનિશ દુબઈ જવા નીકળ્યો હતો અને બીજા દિવસે દુબઈ પહોંચી અમ્મારને મળ્યો હતો. જ્યાં 17 દિવસ રોકાયો હતો અને અમ્મારે છેલ્લા દિવસે ગોલ્ડની બે કેપ્સૂલ આપી હતી. જેનું વજન 850 ગ્રામ અને બજાર કિંમત 50 લાખ હતી. આ ગોલ્ડ દાણચોરી કરી અમદાવાદ લાવવાનું હોવાથી દાનિશે ગુર્દાના ભાગે બંને કેપ્સુલ સંતાડી દીધી હતી.
શખ્સે એટીએસના અધિકારી તરીકે ઓળખ આપી
ત્યારબાદ તે ગત 27 ઓક્ટોબરે અમદાવાદ આવ્યો હતો. દાનિશને લેવા રિયાન અને ડ્રાઇવર આવ્યા હતા. સવારે 3 વાગ્યે દાનિશ ઇમિગ્રેશનની કાર્યવાહી પૂરી કરી બહાર આવ્યો હતો અને ગાડી પાસે જવા નીકળ્યા હતો. આ દરમિયાન બે અજાણ્યા શખ્સ આવ્યા અને અમે એટીએસના અધિકારીઓ છીએ કહી બંને ગાડીમાં સાથે બેસી ગયા હતા. બંનેએ જણાવ્યું હતુ કે, તું દુબઈથી દાણચોરીનું સોનુ લઈને આવ્યો છે તેની તમામ માહિતી છે. ત્યારબાદ ગાડી ચલાવવા કહ્યું હતું અને રિવરફ્રન્ટ થઇ ગાડી નારોલ તરફ લઇ ગયા હતા. બંનેએ દાનિશ સહિતના લોકોના ફોન લઈ સ્વિચ ઓફ્ કરી અવાવરું જગ્યાએ ગાડી ઊભી રખાવી હતી. ત્યાં બીજી એક ગાડી આવી હતી તેમાં એક શખ્સ હતો. ત્યાંથી દાનિશને બીજી ગાડીમાં બેસાડવામાં આવ્યો હતો અને એક ફ્લેટના 10માં માળે લઈ ગયા હતા. જ્યાં પાછળથી આવેલા શખ્સે એટીએસના અધિકારી તરીકે ઓળખ આપી કહ્યું હતું કે, તું ગોલ્ડ દાણચોરી કરીને લાવ્યો છે એટલે હવે તારી સામે કેસ કરવો પડશે. તેમ કહી માર માર્યો હતો. ત્યારબાદ પ્રેશર કરાવી દાનિશના ગુર્દામાંથી સોનું કઢાવ્યું હતું અને તે લઈ લીધું હતું. આ ઉપરાંત થોડાક રૂપિયા પણ લઇ લીધા હતા. ત્યારબાદ જણાવ્યું હતું કે, તારા પાસપોર્ટ સહિતની ડિટેઇલ છે. આ અંગે કોઇને વાત કરીશ તો ઉઠાવી જાનથી મારી નાખીશું. ત્યારબાદ ફ્લેટમાંથી તેને લઇ તેઓ નીકળ્યા હતા.
સમગ્ર કેસમાં એટીએસને એક અરજી મળી હતી
સમગ્ર કેસમાં એટીએસને એક અરજી મળી હતી, જેની તપાસ એટીએસ કરી રહી હતી. આથી અરજી સાચી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે તપાસ કરતા હારૂન શેખ, મોહસીનખાન મુજીબખાન પઠાણ ,નદીમખાન પઠાણ અને અયુબખાન ટાઇ અને મુમતાઝ શેખ દ્વારા આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું. આથી એટીએસે સમગ્ર કેસની જાણ એરપોર્ટ પોલીસને કરી હતી. જેના આધારે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને પાંચેય આરોપીની ધરપકડ કરી લીધી છે.