બિહારમાં (કુ)શાસનનું સૌથી વરવું સ્વરૂપઃ મહિલાઓને ગર્ભવતી કરીને…
- નિ:સંતાન મહિલાઓને ગર્ભવતી કરી લાખો કમાવાની ઓફર કરી આરોપીઓ યુવાનો પાસેથી રજિસ્ટ્રેશનના નામે કરી રહ્યા હતા છેતરપિંડી
નવાદા, 31 ડિસેમ્બર: બિહારના નવાદામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે એવા સાયબર ગુનેગારોને પકડ્યા છે જેઓ લોકોને એવી ઓફર આપતા હતા કે તેમણે મહિલાઓને ગર્ભવતી કરવી પડશે અને તેના બદલામાં તેમને લાખો રૂપિયા આપવામાં આવશે.પોલીસને ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડી આઠ આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ નવાદા પોલીસે સાયબર ગુનેગારો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જિલ્લાના મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ સમય દરમિયાન સ્થળ પરથી 8 સાયબર ઠગની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 9 મોબાઈલ અને 1 પ્રિન્ટર મળી આવ્યા છે.
પુરુષોને નિ: સંતાન મહિલાને ગર્ભવતી કરવાના નામે કરી રહ્યા હતા છેતરપિંડી
ઓલ ઈન્ડિયા પ્રેગ્નેટ જોબ (શિશુ જન્મ સેવા) નામનું આ ગ્રુપ લોકોને ફસાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેતું હતું. ઠગોની ટોળકી લોકોને નિ:સંતાન મહિલાઓને ગર્ભવતી કરવાનું કહી તેમને મોટી રકમના સપના બતાવી રજિસ્ટ્રેશનના નામે રુ.5 હજારથી રુ.20 હજારની વચ્ચે પૈસા પડાવતા હતા.
છેતરપિંડી કરનાર આઠ લોકોની ધરપકડ
નવાદા પોલીસની SITએ મુન્ના કુમાર નામના વ્યક્તિના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસનું કહેવું છે કે મુન્ના આ સમગ્ર સિન્ડિકેટનો લીડર છે. પોલીસે આ રેકેટના આઠ લોકોની ધરપકડ કરી છે, જ્યારે ડઝનેક આરોપીઓ સ્થળ પરથી ભાગી ગયા છે.
આ મામલે ડીએસપીએ શું કહ્યું?
આ મામલે ડીએસપી કલ્યાણ આનંદે જણાવ્યું કે આ સાયબર સિન્ડિકેટ દેશભરમાં ફેલાયેલું છે. ધરપકડ કરાયેલા લોકોના કબજામાંથી નવ સ્માર્ટફોન અને એક પ્રિન્ટર મળી આવ્યા છે. આરોપીની પૂછપરછ ચાલુ છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ, 6ના મૃત્યુ