જામનગરમાં વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર સ્થપાશે
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં સ્થાપનાર છે, સેન્ટરનું ખાતમુહૂર્ત આગામી 19 એપ્રિલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે જામનગરની મુલાકાત લીધી હતી, અને પત્રકાર પરિષદ સંબોધી હતી.

ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગર નજીક સ્થાપનાર છે. ત્યારે આ અંગે પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, ભારત સરકારના આયુષ સેક્રેટરી પદ્મશ્રી વૈધ રાજેશ કોટેચા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ડાયરેકટર ડો. અનુપ ઠાકર અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મુકુલ પટેલે પત્રકારોને માહિતી આપી હતી.
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યુ હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મીડિસિન સેન્ટર ભારતને ફાળવીને ભારત સરકાર અને આપણાં બધા ઉપર મોટી જવાબદારી મૂકી છે, દેશના સફળ અને દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આપણે સહિયારા પ્રયાસથી આ જવાબદારી સુપેરે નિભાવિશુ તેનો મને વિશ્વાસ છે, 250 મિલિયન ડોલરની ભારત સરકારની સહાયથી સ્થપાનાર આ સેન્ટર માટે ગુજરાત સરકાર દ્વારા જામનગર નજીક 35 એકર જગ્યા આયુષ મંત્રાલયને વિનામુલ્યે ફાળવા માટે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
19 એપ્રિલે PM અને WHOના ડાયરેકટર જનરલ સેન્ટરનું કરશે ખાતમુહૂર્ત
આગામી 19 એપ્રિલના યોજાનાર ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર જનરલ સી. ટ્રેડરોશ, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિશ્વ આરોગ્ય સંસ્થાના સાઉથ ઈસ્ટ એશિયન રીઝીયોનલ ઓફિસના ડાયરેકટર તેમજ અનેક દેશના દિલ્હી સ્થિત એમ્બેસેડર અને કેન્દ્રીય તેમજ રાજ્ય મંત્રી મંડળના સદસ્યો ઉપસ્થિત રહેનાર છે.
જામનગર ખંભાળીયા હાઇવે પર ગોરધનપર ગામ નજીક સ્થપાનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરમાં ભારત ઉપરાંત અન્ય 138 દેશની ટ્રેડિશનલ મેડિસિન ઉપર રિસર્ચ કામગીરી હાથ ધરવામાં આવશે વર્ષ 2024માં આ સેન્ટર પૂર્ણ રીતે કાર્યરત થઈ જશે, સેન્ટર કાર્યરત થાય ત્યાં સુધીમાં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં એક ઇન્ટરીમ ઓફિસ ટૂંક સમયમાં કાર્યરત થશે જે સીધું જ વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સંલગ્ન રહેશે અને સેન્ટર શરૂ થતાં ત્યાં શિફ્ટ કરવામાં આવશે.

કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે તેમની જામનગરની મુલાકાત દરમિયાન ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જે જગ્યા પર કાર્યરત થનાર છે તે ગોરધનપર નજીક 35 એકર જગ્યાની પણ મુલાકાત લીધી હતી અને સેન્ટર અંગે માહિતી મેળવી હતી, મેડિસિન સેન્ટર જગ્યાની મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રીએ જામનગરના સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં સાંસદ પૂનમબેન માડમ, કલેક્ટર સૌરભ પારઘી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી કમિશનર વસતાણી, વાઇસ ચાન્સેલર મુકુલ પટેલ, ઇત્રના ડાયરેકટર ડો. અનુપ ઠાકર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.