વિશ્વનું પ્રથમ ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ થયું લોન્ચ, જાણો શું છે ફાયદા
નવી દિલ્હી, 8 જુલાઇ, દિવસેને દિવસે લેપટોપ તેમજ કમ્પ્યુટરનો ઉપયોગ વધતો જાય છે. લેપટોપમાં અનેક લોકો સતત 8 થી 9 કલાક સુધી કામ કરતા હોય છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં સિંગલ સ્ક્રીન લેપટોપનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે, પરંતુ હવે ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું નામ Acemagic X1 છે. આ લેપટોપમાં બે સ્ક્રીન છે, જે આગળ અને પાછળ છે. તેમજ તેને 360 ડિગ્રી ફેરવી શકાય છે.
લેપટોપ સાથે આવે છે બેક ટુ બેક મોડ
આજના સમયમાં ટેક્નોલોજીની દુનિયા ઘણી આગળ વધી ગઈ છે. નવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક પછી એક નવા ઉપકરણો લોન્ચ કરવામાં આવી રહ્યા છે. હવે કંપનીએ એક લેપટોપ રજૂ કર્યું છે જે ડ્યુઅલ સ્ક્રીન સાથે આવે છે. આ સાથે કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ દુનિયાનું પહેલું આ પ્રકારનું લેપટોપ છે. આ લેપટોપનો ઉપયોગ સાઇડ-બાય-સાઇડ ડિસ્પ્લે તરીકે કરી શકાય છે. આ લેપટોપ બેક ટુ બેક મોડ સાથે આવે છે, જેમાં તમે સામેની વ્યક્તિ સાથે સ્ક્રીન શેર કરી શકો છો. આવી સ્થિતિમાં આ સ્ક્રીન પ્રેઝન્ટેશન, ગેમ રમવા અને મૂવી જોવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ લેપટોપની યુનિક ડિઝાઈન ઘણા બધા યુઝર્સને આકર્ષી રહી છે. આ લેપટોપમાં તમને ઘણા શાનદાર ફીચર્સ મળશે.
ડ્યુઅલ સ્ક્રીન લેપટોપને ફ્લિપ સ્ક્રીન પણ કહી શકાય. યુઝર્સ તેમની જરૂરિયાત મુજબ તેને સેટ કરી શકે છે. જો યુઝર્સ તેને સાઇડ બાય સાઇડ ડિસ્પ્લે તરીકે ઉપયોગ કરવા માંગતા હોય, તો તેનો ઉપયોગ કરવો પણ સરળ છે. આ લેપટોપની કિંમત વિશે હજુ કોઈ વિગતો આવી નથી.
Acemagic X1 લેપટોપના ફીચર્સ અને ફાયદા
જો કે બજારમાં ઘણા ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ ઉપલબ્ધ છે, પરંતુ તે લેપટોપમાં એક પ્રકારની સ્ક્રીન સાઈઝ ઉપલબ્ધ નથી. આ લેપટોપમાં તમને 12મી જનરેશનનું ઇન્ટેલ કોર i7-1255U પ્રોસેસર મળે છે. તમને લેપટોપમાં 2 14-ઇંચની ફુલએચડી સ્ક્રીન આપવામાં આવી છે. આ સિવાય આ લેપટોપ 16GB ડ્યુઅલ ચેનલ DDR4 રેમ અને 1TB SSD સ્ટોરેજ સાથે આવે છે. અન્ય ફીચર્સ વિશે વાત કરીએ તો, લેપટોપમાં 2 USB Type-C, એક USB 3.0 Type-A અને એક HDMI 2.0 પોર્ટ છે આ લેપટોપને બેમાંથી એક USB-C પોર્ટની મદદથી ચાર્જ કરી શકાય છે. આ લેપટોપ Wi-Fi 6, બ્લૂટૂથ 5.2 સપોર્ટ સાથે આવે છે. આ લેપટોપ ક્યારે વેચાણ માટે ઉપલબ્ધ થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.