ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારતના ભાગલા પડ્યા એ દુનિયાને ખબર જ નથી! જયશંકરે અમેરિકાને આપ્યો જવાબ

નવી દિલ્હી, 17 માર્ચ: નાગરિકતા સંશોધન કાયદા અંગે અમેરિકાના નિવેદન પર વિદેશ મંત્રી એસ. જયશંકરે સખત વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાએ કહ્યું હતું કે અમે આ કાયદાને લાગુ કરવા પર નજર રાખી રહ્યા છીએ. તેના પર જયશંકરે કહ્યું કે ઈતિહાસને સમજ્યા વગર આવાં નિવેદનો કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આ કાયદો એટલા માટે લાવવામાં આવ્યો છે જેથી ભારતના ભાગલાથી ઊભી થયેલી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. આનાથી તે લોકોને રાહત મળશે જેમણે દેશના ભાગલા પછી ધર્મના નામે અત્યાચારો સહન કરવા પડ્યા હતા. દુનિયા એવી રીતે વાત કરી રહી છે કે જાણે ભારતનું વિભાજન થયું જ ન હતું!

CAAને લઈને થઈ રહેલી ટીકાનો જવાબ આપ્યો

વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું, ‘જો તમે વિશ્વના ઘણા ભાગોના લોકોને સાંભળો છો, તો એવું લાગે છે કે ભારતનું વિભાજન ક્યારેય થયું ન હતું. તેનાથી જાણે કોઈ સમસ્યા જ થઈ નથી. જ્યારે આ કાયદો વિભાજનને કારણે જે સમસ્યાઓ ઊભી થઈ હતી તેના ઉકેલ માટે જ આવ્યો છે. તેમણે કહ્યું કે દુનિયામાં એક એવો વર્ગ છે જે સમસ્યા પેદા કરે છે. તેનાથી સંબંધિત તમામ ઐતિહાસિક તથ્યો દૂર કરે છે. આ પછી, રાજકીય રૂપે યોગ્ય દેખાતા નિવેદનો આપીને જ્ઞાન આપવાનો પ્રયાસ કરવામાં આવે છે કે, અમે સિદ્ધાંતોને અનુસરીએ છીએ અને તમારી પાસે કોઈ સિદ્ધાંત છે જ નહીં.

અમેરિકાએ CAA પર ટિપ્પણી કરી હતી

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં આ વાત કહી. અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીના નિવેદનનો જવાબ આપતાં તેમણે આ ટિપ્પણી કરી હતી. હકીકતમાં, CAAનો ઉલ્લેખ કરતી વખતે અમેરિકી રાજદૂતે કહ્યું હતું કે અમે અમારા સિદ્ધાંતોને નકારી શકીએ નહીં. તેમણે કહ્યું હતું કે લોકશાહીનો પાયો તમામ ધર્મોની સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંત પર ટકેલો છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે અમેરિકા CAA પર નજર રાખી રહ્યું છે. અમે જોઈશું કે તેનો અમલ કેવી રીતે થાય છે.

આ પહેલા અમેરિકી વિદેશ મંત્રાલયે પણ આ અંગે નિવેદન જાહેર કર્યું હતું. ભારતે તેની સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અમને તમારા લેક્ચરની જરૂર નથી. જયશંકરે અમેરિકન રાજદૂતના સૈદ્ધાંતિક નિવેદનને પોતાની શૈલીમાં સમજાવ્યું. તેમણે કહ્યું, “સિદ્ધાંતો અમારા પણ છે. આ સિદ્ધાંતોમાંથી એક એ છે કે અમારે એ લોકોનું રક્ષણ કરવાનું છે જેમના પર ભાગલા વખતે અત્યાચારો થયા હતા.”

આ પણ વાંચો: CAA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અસદુદ્દીન ઓવૈસી, પ્રતિબંધની કરી માંગ

Back to top button