દેશના સૌપ્રથમ ઇલેક્ટ્રીક હાઇવેનું કામ શરૂ, 18 મહિનામાં કરાશે પૂર્ણ
દિલ્હી-જયપુર હાઈવેનું નવીનીકરણ શરૂ થઈ ગયું છે. તેના નવીનીકરણની પ્રક્રિયા હરિયાણા-રાજસ્થાન સરહદ પર બાવળ અને શાહજહાંપુરની સરહદને અડીને આવેલા જયસિંહપુર ખેડાથી શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનમાં જયપુર તરફ પાંચ કિલોમીટર અને હરિયાણામાં ગુરુગ્રામ તરફ સાત કિલોમીટરનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયું છે. જો કે આ હાઇવે માટે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ દેશનો સૌપ્રથમ ઇલેક્ટ્રીક હાઇવે બનશે. અહીં એકબાજુનો રસ્તો ઇલેક્ટ્રિક હશે.
370 કરોડનો ખર્ચ થશે હાઇવે બનાવવા
નેશનલ હાઈવે ઓથોરિટીએ બે અલગ-અલગ કંપનીઓ વિનર કન્સ્ટ્રક્શન અને પવન કુમાર કંપનીને બાંધકામની કામગીરી સોંપી છે. બંને કંપનીઓ હરિયાણામાં આવતા તેના 64 કિલોમીટરના ભાગમાં કામ કરશે, પરંતુ મોટા ભાગની જવાબદારી વિનર કંપનીની રહેશે. વિનર કંપની પોતે બાનીપુર ચોક (બાવળ) અને બિલાસપુર ફ્લાયઓવર, સાલ્હાવાસમાં એક નાનો પુલ, માનેસરમાં એલિવેટેડ રોડ બનાવશે. હરિયાણા સરકાર તેના વિસ્તારમાં બનાવવામાં આવનાર આ હાઈવે પર લગભગ 370 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
વાહનો ઝડપથી દોડશે, બે કલાકમાં દિલ્હીથી જયપુર પહોંચશે
આ હાઈવેના નવીનીકરણ બાદ દિલ્હીથી બે કલાકમાં જયપુર પહોંચવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે 18 મહિના બાદ જામનો પર્યાય બની ગયેલા આ હાઇવે પર વાહનોની ઝડપ વધી શકશે. આ માટે 18 મહિનાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. NHAIનો દાવો છે કે કામ દોઢ વર્ષના બદલે એક વર્ષમાં પૂર્ણ થશે.
રોડની એક સાઈડ ઇલેક્ટ્રીક વાહનો માટે રખાશે
આ હાઈવે આવનારા સમયમાં દેશનો પ્રથમ ઈલેક્ટ્રીક હાઈવે બનશે. આ હાઇવે પર એક લેન ઇલેક્ટ્રિક વાહનો માટે આરક્ષિત રહેશે. ભવિષ્યના આયોજનને ધ્યાનમાં રાખીને, હાઇવે પર ઘણી જગ્યાએ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન પહેલેથી જ બનાવવામાં આવી રહ્યા છે. આવું સ્ટેશન ગુરુગ્રામ પાસે પણ બનાવવામાં આવ્યું છે. આ સેન્ટર પર એક સાથે 100 વાહનો ચાર્જ કરી શકાય છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ અનેક પ્રસંગોએ આની જાહેરાત કરી છે. જો કે હજુ જમીન પર તેનું કામ શરૂ થયું નથી, પરંતુ તેનું નવીનીકરણ શરૂ થતાં જ સપનાનો રોડ બનવાની આશા બંધાવા લાગી છે.