આત્મનિર્ભર અને સખીમંડળની તાકાતથી બનાવ્યા શ્રીગણેશ
ભગવાન ગણેશજીના આગમનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે તાપી જિલ્લામાં આત્મનિર્ભર અને ઈકોફ્રેન્ડલી ગણેશજીનું ઉત્તમ ઉદાહરણ સખી મંડળની બહેનોએ પૂરું પાડ્યું છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહા સખી અને કૈવલ સખી મંડળની 15 જેટલી બહેનો નારિયેળના રેસા માંથી વિવિધ પ્રકારના સુશોભનની વસ્તુઓ અને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવી એક અનોખું વાતાવરણ ઉભુ કર્યું છે, અને લોકો આ કલાને પંસદ પણ કરી રહ્યા છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહા સખી મંડળના પ્રમુખ જયશ્રીબેન ચૌધરી જણાવે છે કે, અમે નારિયેળના રેસા માંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવીએ છીએ. આ મૂર્તિ બનાવવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે, આવી પ્રતિમાઓનું ઓછા પાણીમાં વિસર્જન થાય અને તેનાથી કોઈ પણ જાતનું પ્રદૂષણ પણ ન ફેલાય.
જયશ્રીબેન વધુમાં ઉમેરે છે કે, ગયા વર્ષે અમે જ્યારે કામ શરૂ કર્યું ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા અમારા બોરખડી ગામની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન તેમણે મારા ઘરની પરિસ્થિતિ જોઈ અને એમણે જોયું કે અમને ઘણી બધી તકલીફો પડી રહી હતી અમને મૂર્તિ વેચવા માટે પૂરતી જગ્યા પણ ન હતી. બધું જોયા પછી તેમણે આ બાબતે ચર્ચા કરી હતી. અને હવે અમને વન વિભાગ તરફથી મૂર્તિના વેચાણ અને બનાવટ માટે સ્ટોલ ફાળવવામાં આવે છે. જેથી અમે અમારું કામ વધુ સારી રીતે કરી શકીએ છીએ.
આજે ઘર હોય કે ખેતી કોઈ ક્ષેત્ર એવું બાકી નથી રહ્યું જ્યાં મહિલાઓ આગળ ન હોય. તમામ ક્ષેત્રે મહિલાઓ આગળ વધી રહી છે. મહિલાઓ પુરુષ ના ખભે ખભા મેળવી કામ કરી શકે તે માટે ગુજરાત સરકાર હરહંમેશ મહિલાઓની સુરક્ષા,સન્માન અને મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવા અડીખમ રહેતી હોય છે. બહેનોને આત્મનિર્ભર બનવાની દિશામાં મદદ કરવા માટે સખી મંડળની બહેનોએ તાપી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : નાનકડી રુહી કેમ હર્ષ સંઘવીને ભેટીને ભાવુક થઈ ?