જન્મના દાખલામાંથી ‘બેબી’ શબ્દ દૂર કરાવવા 50 વર્ષની મહિલા હાઇકોર્ટના દ્વારે
- 50 વર્ષીય ગીતા પટેલે પોતાના બર્થ સર્ટિફિકેટમાંથી બેબી શબ્દ દુર કરવાની હાઇકોર્ટને વિનંતી કરી છે. ગીતાએ તેના ઓળખના પુરાવામાં પોતાનું એક્ચ્યુઅલ નામ લખવાની માંગણી કરી હતી
ગુજરાત હાઇકોર્ટમાં એક યુનિક કેસ આવ્યો છે. અમદાવાદમાં રહેતી 50 વર્ષીય ગીતા પટેલે પોતાના બર્થ સર્ટિફિકેટમાંથી ‘બેબી’ શબ્દ દુર કરવાની હાઇકોર્ટને વિનંતી કરી છે. ગીતાએ તેના ઓળખના પુરાવામાં પોતાનું એક્ચ્યુઅલ નામ લખવાની માંગણી કરી હતી. કમનસીબે તેણે તલાટી, રેવન્યુ ક્લાર્કને આ સંદર્ભે આપેલી અરજી ચાર મહિનાથી પેન્ડિંગ હતી. તેની પર કોઇ પ્રકારનો રિપ્લાય આવ્યો નહીં. ગીતા તેના બર્થ સર્ટિફિકેટમાં પોતાનું સાચુ નામ ઇચ્છે છે.
ગીતાને કોઇ જ રિપ્લાય ન મળતા આખરે તેણે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ગીતાએ ફેબ્રુઆરીમાં હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગીતા ઇચ્છે છે કે તેની ઓળખ ગીતા પટેલ તરીકે જ કરવામાં આવે. તેના વકીલ રાજન પટેલે જણાવ્યુ કે ગીતાને જ્યાં સુધી તેના બર્થ સર્ટિફિકેટની જરૂર ન પડી હતી ત્યાં સુધી તે એ વાતથી અજાણ હતી કે તેના બર્થ સર્ટિફિકેટમાં તેના નામના બદલે બેબીનો ઉલ્લેખ થયો છે.
રાજન પટેલે જણાવ્યુ કે ભૂતકાળમાં આપણા ત્યાં બાળકનું નામ રાખવામાં ન આવે ત્યાં સુધી તેની ઓળખ ‘બાબા’ કે ‘બેબી’ તરીકે કરવામાં આવતી હતી. હજુ પણ ઘણી જગ્યાએ બર્થ સર્ટિફિકેટમાં વર્ષો સુધી બેબી કે બાબો જ લખેલુ રહેતુ હોય છે. તેનાથી બાળકની જાતિની ઓળખ થાય છે, પરંતુ નામની નહીં.
વકીલે એમ પણ જણાવ્યુ કે બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રેશન એક્ટની કલમ 15 હેઠળ અરજદાર બર્થ સર્ટિફિકેટમાં પોતાનું નામ બદલવાનો હક્ક ધરાવે છે. વકીલે દલીલ કરી હતી કે ગીતાના બર્થ સર્ટિફિકેટમાં ‘બેબી’ શબ્દ તેની જેન્ડર દર્શાવે છે, તેથી તે જરૂરી છે કે ‘બેબી’ના બદલે તેનું નામ દર્શાવવામાં આવે. દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ વી ડી નાણાવટીએ ચુકાદો આપ્યો કે ગીતાની અરજી પર જે તે ઓથોરિટી એક મહિનાની અંદર નિર્ણય લે.
આ પણ વાંચોઃ શાહરૂખે ચાર વર્ષ બાદ તોડ્યો ‘ઉરી’નો રેકોર્ડઃ ‘જવાન’ 600 કરોડની ક્લબમાં સામેલ