અમદાવાદના આ વિસ્તારમાં બનાવેલો વ્હાઇટ ટોપિંગ રોડ વરસાદમાં આફત બની ગયો
- વ્હાઈટ ટોપિંગ રોડ નાગરિકો માટે ‘આફતરૂપ’ બન્યો
- રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો
- કેટલાકના ઘરોમાં તો ત્રણ ત્રણ ફૂટ પાણી થઈ ગયું હતું
અમદાવાદના વિસ્તારમાં બનાવેલો વ્હાઇટ ટોપિંગ રોડ વરસાદમાં આફત બની ગયો છે. જેમાં ઘાટલોડિયામાં મોટા ઉપાડે બનાવેલો વ્હાઇટ ટોપિંગ રોડથી લોકોને હાલાકી થઇ રહી છે. સુવિધાને બદલે સમસ્યા થઇ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. તેમજ રહીશો પાણી અને કાદવ-કીચડની સફાઈ કરવા મથ્યા છે. મકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે લાખો રૂપિયાના ફર્નિચર, ફ્લોરિંગ, વગેરેને ભારે નુકસાન થયુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો કયા છે મેઘની આગાહી
રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો
ઘાટલોડિયામાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ વ્હાઈટ ટોપિંગ રોડ નાગરિકો માટે ‘આફતરૂપ’ બન્યો હતો. રવિવારે મૂશળધાર વરસાદ ખાબકતાં વ્હાઈટ ટોપિંગ રોડ પર પાણી ફરી વળ્યા હતા એટલું જ નહીં પરંતુ અલકાપુરી સહિતની સોસાયટીઓમાં કલાકો સુધી અઢી ફૂટ જેટલા પાણી ભરાઈ રહેવાને કારણે રહીશોને સવાર સુધી પાણી ઉલેચવા પડયા હતા અને કાદવ- કીચડની સફાઈ કરવી પડી હતી. વ્હાઈટ ટોપિંગ રોડની આસપાસની સોસાયટીઓમાં રહીશોના મકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે લાખો રૂપિયાના ફર્નિચર, ફ્લોરિંગ, વગેરેને ભારે નુકસાન થયું હતું. ઘાટલોડિયાની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા અંગેની ફરિયાદો કરવા છતાં AMC અધિકારીઓ ફરક્યા જ નહોતા અને તેના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
કેટલાકના ઘરોમાં તો ત્રણ ત્રણ ફૂટ પાણી થઈ ગયું હતું
રવિવારે સાંબેલાધાર વરસાદ તૂટી પડતાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી જવાના કારણે બેડ, ગાદલા, ગોદડા બધું પલળી ગયું હતું. આ અંગે AMCમાં ફરિયાદ કરતાં સાંજે 5 વાગ્યે ગટરના ઢાંકણા ખોલવા માટે કર્મચારીઓ આવ્યા હતા. આમ છતાં સોસાયટીમાંથી પાણી નહીં ઓસરતાં કેટલાંક રહીશોને સંબંધીના ઘરે સુવા જવું પડયું હતું. સોમવાર સવાર સુધી એવી જ પરિસ્થિતિ છે. હજી પણ ઘરમાંથી પાણી કાઢવાની અને સામાન બધો હટાવી મૂકવાની કામગીરી કરવી પડી છે. કેટલાકના ઘરોમાં તો ત્રણ ત્રણ ફૂટ પાણી થઈ ગયું હતું, જેના કારણે તેમનો સામાન આખો ખરાબ થઈ ગયો હતો.