રાજ્યમાં વરસાદ સાથે ડેમ અને તળાવો છલકાઈ રહ્યા છે ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની આવકમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેથી હાલ પાણી છોડવામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. હવે 23 ગેટ માત્ર 2.45 મીટર ખોલી 4,50,000 ક્યુસેક પાણી જ છોડવામાં આવશે. મહત્વનું છે કે, હાલ ડેમમાંથી કુલ જાવક 4,95,000 ક્યુસેક રહેશે. ડેમમાંથી અત્યાર સુધી 5,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પાણીની આવક 5,32,986 ક્યુસેક છે. જેને કારણે ડેમની જળ સપાટી ઘટીને 136.10 મીટર પર પહોંચી છે.
ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી તોફાની બની
બીજી બાજુ ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી તોફાની બની છે.નદીની જળસપાટી 28 ફૂટ પર પહોંચી છે.જે ભયજનક સપાટીથી 4 ફૂટ વધારે છે.નદીની ભયજનક સપાટી 24 ફૂટની છે.ઘુઘવતા દરિયાની જેમ નર્મદા નદીનો જળપ્રવાહ જોવા મળી રહ્યો છે.નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગોલ્ડન બ્રિજ નજીક ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઇ છે.એટલું જ નહીં સ્મશાને જવાના રસ્તે પણ નદીનું પાણી ફરી વળ્યું છે.
નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
બીજી તરફ સતત વધી રહેલા નદીના જળસ્તરને લઇ વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે.અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.ભરૂચ શહેરમાં અત્યાર સુધી 283 લોકોનું સ્થળાંતર કરાયું છે.તંત્ર દ્વારા ભોજન, રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.હાલ નર્મદાનું જળસ્તર 28 ફૂટે પહોંચતા ભરૂચ શહેરમાં પણ પાણી પ્રવેશી રહ્યુ છે.ફુરજા બંદરમાં એક વ્યક્તિ તણાતાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે.