ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વકફ બોર્ડે 120 પ્રાચીન સ્મારકો ઉપર પણ દાવો કરી દીધેલો છે! જાણો શું કહ્યું ASIએ

  • વકફ સુધારા બિલ પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક દરમિયાન ખૂબ જ ગરમ વાતાવરણ સર્જાયું હતું 

નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર: વકફ સુધારા બિલ પર શુક્રવારે સંયુક્ત સંસદીય સમિતિ (Joint Parliamentary Committee)ની બેઠક દરમિયાન ખૂબ જ ગરમ વાતાવરણ જોવા મળ્યું હતું. આ દરમિયાન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ માહિતી આપી કે, વિવિધ રાજ્યોના વક્ફ બોર્ડ તેના સંરક્ષણ હેઠળ 120થી વધુ સ્મારકો ઉપર પણ દાવો કરી દીધેલો છે. જેમાંના કેટલાક સ્મારકોને આઝાદી પહેલા પણ ASI દ્વારા સંરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. ASIના આ નિવેદન બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

 

અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, બેઠકના પ્રથમ સત્રમાં કેટલાક વિપક્ષ અને ભાજપના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. ASIને બંને પક્ષના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષી સભ્યોએ સંસ્કૃતિ મંત્રાલય પર ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો, જે ASIની દેખરેખ રાખે છે. તેમણે કહ્યું હતું કે, મંત્રાલય ‘વોટ્સએપ યુનિવર્સિટી’ની ખોટી માહિતી ફેલાવી રહ્યું છે.

વિપક્ષના સભ્યોએ સંસ્કૃતિ મંત્રાલય પર નિશાન સાધ્યું

તેના પ્રેઝન્ટેશનમાં ASIએ 53 સ્મારકોની યાદી રજૂ કરી જેના પર વક્ફ બોર્ડ દાવો કરી રહ્યું છે. જેમાંની કેટલીકને ASI દ્વારા સંરક્ષિત જાહેર કર્યા પછી લગભગ એક સદી બાદ વકફ મિલકતો જાહેર કરવામાં આવી હતી. ASI આઝાદી પહેલાથી અસ્તિત્વમાં છે. વિપક્ષના સભ્યોએ સંસ્કૃતિ મંત્રાલયના સચિવ પર પણ નિશાન સાધ્યું હતું.

આ પહેલા ગુરુવારે પણ વકફ બિલ પર JPCની બેઠક યોજાઈ હતી અને તેમાં પણ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલબાજી થઈ હતી. ગુરુવારની બેઠકમાં વિપક્ષી સભ્યોએ પ્રશ્ન કર્યો હતો કે, બિલ લાવવાની શું જરૂર હતી. બેઠક દરમિયાન એક તબક્કે ઉગ્ર વાતાવરણ એટલું વધી ગયું હતું કે, જેપીસી અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે સાંસદોને શાંત કરવા દરમિયાનગીરી કરવી પડી હતી. આ બેઠકમાં શહેરી વિકાસ અને પરિવહન સચિવ અનુરાગ જૈન, રેલવે બોર્ડના અધ્યક્ષ સતીશ ગૌતમ, રેલવે બોર્ડના સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અનિલ કુમાર ખંડેલવાલ સહિત ઘણા અધિકારીઓએ હાજરી આપી હતી.

આ દરમિયાન અધિકારીઓએ સાંસદો સામે પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં જ 200 સરકારી મિલકતોનો દાવો કરીને વક્ફ બોર્ડ તેને પોતાની હોવાનું કહી રહ્યું છે. દરમિયાન, JPC સભ્ય અને બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, વક્ફ બોર્ડ દુશ્મનની મિલકતો પર પણ દાવો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે વક્ફ બોર્ડનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ માત્ર ધાર્મિક અને જન કલ્યાણના હેતુઓ માટે થાય છે. 
Back to top button