ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

મેહુલ બોઘરા સામે સુરતના પોલીસ જવાનનો વિડીયો વાયરલ, સિક્કાની બીજી બાજુ સાંભળી કે નહીં ?

Text To Speech

સુરતમાં હાલ ચર્ચાનો વિષય બનેલા વકીલ મેહુલ બોઘરા પર ટીઆરબી જવાન દ્વારા થયેલા હુમલા બાદ પોલીસ વિભાગના અધિકારીઓમાં પણ હલચલ જોવા મળી રહી છે. હાલમાં જે રીતે મેહુલ બોઘરાએ  પોલીસની હપ્તા વસૂલીનું ફેસબુક લાઈવ કરી લોકોની સામે લાવ્યા હતા અને તે દરમિયાન જ તેના પર હુમલો થયો હતો. જેના બાદ હવે સોશિયલ મીડિયા પર સુરતના એક પોલીસ જવાનની વ્યથા ઠાલવતો વિડીયો વાયરલ થયો છે. જે વરાછા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિતેશ જગશીભાઈએ આ વિડીયો વાયરલ કર્યો છે. જેમાં તેઓએ મેહુલ બોઘરાને સંબોધીને કેટલીક વાતો કહી છે.

પોલીસની પોઝિટિવ સાઈડ

મેહુલ બોઘરાને લક્ષમાં રાખી વાત કરતાં વિડીયોમાં આ કોન્સ્ટેબલે કહ્યું કે, અમુક બે પાંચ ટકા લોકો ખોટા હોય શકે છે, તેના કારણે સમગ્ર પોલીસ ખાતાને બદનામ કરવું કેટલું યોગ્ય છે ? મેહુલ બોઘરાને સીન સપાટા કરીને ફક્ત પોલીસની નેગેટિવ બાજુ બતાવવામાં જ રસ છે, પોલીસની પોઝિટિવ સાઈડ તેમને ક્યારેય દેખાઈ નથી. તેઓ ઉમેરે છે કે પોલીસ તંત્ર પરિવાર, તહેવારોને ભૂલીને રસ્તા પર લોકોની સેવા કરે છે એ તમને કેમ દેખાતું નથી ?

સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ

આ ઉપરાંત પોલીસ જવાને વિડીયોમાં કહ્યું કે, તમે ફક્ત પચાસ હજાર લોકોનો અવાજ હોય શકો છો, તમે માત્ર એટલી લાઇક્સ કે ફોલોઅર્સ મેળવી શકો છો પણ પોલીસ ગુજરાતની પાંચ કરોડની જનતાનો અવાજ છે.એડવોકેટ તરીકે તમે કેટલા ગરીબના કેસ લડ્યા ? જો લડાઈ લડવી હોય તો કાયદેસર રીતે લડો, લાઇક્સ કે ફોલોઅર્સ માટે વારંવાર ફેસબુક લાઈવ કરવું યોગ્ય ન કહેવાય. તમે ફક્ત સીન સપાટા જ કરવામાં માનો છો. જે ખોટા હશે તે સામે આવશે, આખું પોલીસ તંત્રને બદનામ કરવાનું બંધ કરો.

આ પણ વાંચો : સુરત : મેહુલ બોઘરા પર થયેલા હુમલામાં પોલીસે કરી કડક કાર્યવાહી, TRB સુપરવાઈઝર ઘરભેગાં

પોલીસ કોઈથી ડરે નહીં

કોન્સ્ટેબલે વીડિયોમાં આગળ જણાવ્યું છે કે લોકોમાં શાંતિ જાળવવાનું કામ પોલીસનું છે, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાથી પોલીસ ડરવાની નથી. અમારી ભૂલ હોય તો ધ્યાન દોરો, ખોટા કામ માટે અમારા ઉચ્ચ અધિકારીઓ, સીએમ, ગૃહમંત્રીને જાણ કરો. પણ પોલીસને ટાર્ગેટ કરવાનું બંધ કરો.લોકોને ઉશ્કેરવાનું કામ બંધ કરો. તમારા દર બે મહિને બે વિવાદ હોય છે એના કરતા તમારા એડવોકેટ તરીકેના વ્યવસાયનું કામ કરો.

Back to top button