બનાસકાંઠા : ડીસામાં બગીચામાં નમાજ પઢતો વિડીયો વાયરલ થતા ચકચાર
- ધારાસભ્યએ ચીફ ઓફિસરને પત્ર લખી જાહેરમાં નમાજ પઢવા પર પ્રતિબંધ મુકવા જણાવ્યું
બનાસકાંઠા 15 જુલાઈ 2024 : ડીસા શહેરના નાનાજી દેશમુખ બાગમાં એક મુસ્લિમ મહિલા નમાજ પઢતી હોવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ડીસાના ધારાસભ્યએ ચીફ ઓફિસરને પત્ર લખી જાહેરમાં નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકવા તેમજ આવું કૃત્ય ફરી ન થાય તે સુનિશ્ચિત કરી કરવા જણાવ્યું છે.
ડીસા શહેરમાં હવાઈ પિલર મેદાનની બાજુમાં આવેલ ડીસા નગરપાલિકા સંચાલિત નાનાજી દેશમુખ બાગમાં એક મુસ્લિમ મહિલા બગીચામાં નમાજ પઢતી હોવાનો વિડિયો વાયરલ થયો હતો. જેથી સમગ્ર ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં આ વિડીયો પ્રત્યે અલગ અલગ કોમેન્ટો આવવા લાગી હતી. જેમાં કેટલાક લોકોએ ડીસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખર હિન્દુવાદી નેતા શશીકાંત પંડ્યા ના સમયની વાતો યાદ કરાવી જો શશીકાંત પંડ્યા અત્યારે ધારાસભ્ય હોત તો આવા કૃત્ય કરવાની કોઈ હિંમત ન કરત તે પ્રકારની અલગ અલગ કોમેન્ટો કરી હતી. જેથી આ બાબત સમગ્ર શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન બની જવા પામી હતી.
ત્યારબાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પણ આ વાઇરલ વિડીયોની બાબત અયોગ્ય ગણાવી તાત્કાલિક ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી આ રીતે બગીચામાં કે જાહેરમાં નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકવા તેમજ આ પ્રકારનું કૃત્ય ફરીવાર ન થાય તે સુનિશ્ચિત કરવા તેમજ આવા કૃત્ય કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા પાલિકા દ્વારા પ્રજાના માથે ઠોકી બેસાડવામાં આવેલો ભૂગર્ભ ગટર વેરો ગેરવ્યાજબી