બનાસકાંઠા : ડીસામાં જાહેરમાં મારામારી કરવા આવેલા લોકોનો વિડીયો વાયરલ
બનાસકાંઠા 24 જુલાઈ 2024 : ડીસા શહેરમાં અસમાજિક તત્વોને હવે જાણે કે પોલીસનો કોઈ જ પ્રકારનો ભય રહ્યો ના હોય તેમ ભરચક રહેણાંક વિસ્તારમાં પહોંચી મારામારી કરવા લાગ્યા છે.જેમાં આજે આવો જ એક વિડીયો વાઇરલ થયો છે કે જેમાં ડીસા શહેરના ઉમિયાનગર વિસ્તારથી વિરેન પાર્ક તરફ જતાં માર્ગ પર કેટલાક શખ્સો ગાડીમાં લાકડીઓ સાથે આવીને જાહેરમાં દાદાગીરી કરી રહ્યા છે.
ડીસામાં જાહેરમાં મારામારી કરવા આવેલા સકસોનો વાયરલ થયેલ વીડિયોના દ્રશ્યોમાં ઇકો વાન અને ક્રેટા કારમાં આવેલા શખ્સો ડીસાના ઉમિયાનગર વિસ્તાર નજીક ધોકા અને લાકડીઓ સાથે પહોંચે છે અને જાહેરમાં દાદાગીરી કરીને ઉપદ્રવ મચાવે છે. આ શખ્સો દ્વારા મચાવવામાં આવેલા ઉત્પાતથી આસપાસના લોકો પણ ભયભીત બની ગયા હતા. ડીસામાં જાહેરમાં આ અસમાજિક તત્વો આવી રીતે દાદાગીરી કરતાં હોય ત્યારે ડીસામાં પોલીસ ક્યાં છે તે એક સવાલ ઊભો થયો છે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ડીસામાં પોલીસ માત્ર સામાન્ય લોકોને હેરાન કરવાનું જ કામ કરી રહી છે. કારણ કે પોલીસનો ડર સામાન્ય લોકોમાં જ જોવા મળતો હોય છે. જ્યારે આવા અસમાજિક તત્વોને પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી. આ વિડીયો જે સ્થળ પરનો છે તે સ્થળ એક ભરચક વિસ્તાર છે અને અહી દિવસભર મોટી સંખ્યામાં લોકો અને વિધાર્થીઓની અવરજવર થતી હોય છે. ત્યારે આ રીતે જાહેરમાં હથિયારો સાથે આવીને આતંક મચાવવો ક્યારેક ગંભીર પરિણામ પણ આપી શકે છે. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાએ ગંભીરતા દર્શાવીને વિડીયોમાં દેખાઈ રહેલા તત્વોને પકડીને યોગ્ય કાર્યવાહી કરવી જોઇયે.જેથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે અને આવા અસમાજિક તત્વોમાં પણ કાયદા વિષે ભય પેદા થાય. એક મહિલાએ હિંમત દર્શાવીને આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પોલીસ ઈન્સ્પેકટરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ અંગે તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
આ પણ વાંચો : ગુજરાતમાં રેલવે માટે આ વર્ષે રૂ. 8,743 કરોડની ફાળવણી, 87 સ્ટેશનોને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાશે