મોરબી કરુણાંતિકાઃ રવિવારના એ ગોઝારી ઘટના બાદનો વીડિયો વાયરલ.. વલખા મારતા લોકોની ચીસથી ગુંજી હતી મચ્છુ
મોરબીઃ રવિવારે સાંજે ઘટેલી દુર્ઘટનાને પગલે અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા. ઝુલતો પુલ તૂટી પડ્યા બાદ તરત જ લેવાયેલો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે હૈયું કંપાવી દેનારો છે. વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે કે લોકો પોતાની જિંદગી બચાવવા માટે કેબલ બ્રિજ પર ટીંગાઈ ગયા છે. બીજી બાજુ કેટલાય લોકો પાણીમાં ડૂબી રહ્યાં છે. કેટલાય લોકો કેબલ બ્રિજને સહારે બહાર નીકળવાના પ્રયાસ કરતા પણ જોઈ શકાય છે. દરેક વ્યક્તિ જીવ બચાવવા માટે વલખા મારી રહ્યાના દ્રશ્ય વીડિયોમાં દેખાય રહ્યા છે. લોકોની રોકકળથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું છે. કાળની લીલા કેવી છે? હજુ થોડી ક્ષણો પહેલાં લોકો સેલ્ફી લઈ રહ્યા હતા, એકબીજા સામે ઝૂલતા પુલમાં હસતા હતા તે ઘડીભરમાં મોતના મુખમાં ધકેલાય ગયા.
સૂર્યનારાયણ ડૂબી રહ્યા હતા… ને અનેક જિંદગી પણ આથમી ગઈ
27 મિનિટના આ વીડિયોમાં જોઈ શકાય છે કે અનેક લોકો પુલના દોરડા સાથે લટકી રહ્યા છે. અનેક લોકો પાણીમાં પડ્યા છે. પાણીમાં પડેલા લોકો તરફડીયા મારી પોતાનો જીવ બચાવવા મથામણ કરી રહ્યા છે. કિનારે ઊભેલા લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. પુલના તૂટેલા એક ભાગ પર અનેક લોકો લટકી રહ્યા છે. કોણ કોને બચાવે તેવી સ્થિતિ છે. આવામાં બાળકોની શું સ્થિતિ થઈ હશે તે કલ્પના કરી કંપી જવાય છે.
નહીં વિસરાય રવિવારનો એ દિવસ
મોરબીના મણિ મંદિર નજીકનો અને મચ્છુ નદી પરથી પસાર થતો 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ 30મી ઓક્ટોબરના રોજ સાંજે 6.32 વાગ્યે તૂટ્યો હતો. જેમાં માસુમ બાળકો સહિત 134 લોકોના જીવ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પુલ તૂટ્યો ત્યારે તેના પર 400થી વધારે લોકો હતા. જ્યારે કે પુલની ક્ષમતા 100 લોકોની જ હતી. આ પુલ 140 વર્ષ જૂનો હતો. જેને 6 મહિના સુધી રિનોવેશન માટે બ્રિજ બંધ કરાયો હતો અને ત્રણ દિવસ પહેલા જ ફરી શરૂ કરાયો હતો. બે કરોડના ખર્ચે તેને રિનોવેશન કરાયો હતો.
પુલ ત્રણ દિવસમાં જ તૂટી પડ્યો
ઝૂલતા પુલનું મેનેજમેન્ટ સાંભળનાર ઓરેવા ટ્રસ્ટ સામે પોલીસે સઅપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી મેનેજર સહિત નવ વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. ઓરેવા ગ્રૂપે તાજેતરમાં જ બે કરોડના ખર્ચે આ પુલનું સમારકામ કર્યું હતું અને સાત મહિનાથી બંધ એ પુલને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી લોકો માટે ફરી ખુલ્લો મુકાયો હતો. કમનસીબે બે કરોડના ખર્ચ પછી એ પુલ ત્રણ દિવસમાં જ તૂટી પડ્યો. આ દુર્ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચના કરાઈ છે. એ તપાસ તો થશે પણ એક સામાન્ય અનુમાન એવું છે કે એક સાથે મોટી સંખ્યામાં લોકો પુલ ઉપર હોવાને કારણે વજન વધી જતાં પુલ તૂટી પડ્યો.ટિકિટો ફાટતી જતી હતી. કોઈને વિચાર સુદ્ધાં ના આવ્યો કે, હવે નવી એન્ટ્રી બંધ કરવી જોઈએ.