

આસારામ સામે દુષ્કર્મ કેસમાં આજે ચુકાદો આવી ગયો છે. જેમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ ચુકાદો આપ્યો છે. ચુકાદાને લઈને ગાંધીનગર સેશન્સ કોર્ટમાં પોલીસ ગોઠવાઈ છે. તથા કોર્ટ રૂમથી લઈને પરિસર સુધી પોલીસ બંદોબસ્ત છે. જેમાં આસારામ સહિત કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. તેમાં આજરોજ ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.
આજીવન કેદ અથવા 10 વર્ષની કેદની સજા
વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે 11 વાગ્યે કોર્ટમાં આસારામની સજાની સુનાવણી હાથ ધરવામાં આવશે. આસારામ હાલ જોધપુર જેલમાં કેદ હોવાથી તેને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આરોપી આસારામને કલમ 376-બી મુજબ દોષિત જાહેર કરવામાં આવ્યો છે. વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દોષિત જાહેર થયા બાદ આસારામને આજીવન કેદ અથવા 10 વર્ષની કેદની સજા કોર્ટ ફટકારી શકે છે.
છેલ્લાં 9 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.
6 ઓક્ટોબરના 2013ના રોજ ગુનો નોંધાયો
આસારામ સામે 6 ઓક્ટોબરના 2013ના રોજ ગુનો નોંધાયો હતો. જેમાં આસારામ સિવાય તમામ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે. તથા આસારામ સામેનાં કેસમાં કુલ 68 જેટલા સાક્ષીઓ છે . તેમજ આસારામ જોધપુર જેલમાં કેદ છે. તથા અન્ય આરોપી સુરતથી ગાંધીનગર કોર્ટમાં પહોંચી ગયા હતા.
એકથી વધુ યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો
આસારામ પર એકથી વધુ યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો લાગ્યા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018માં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ આસારામને આજીવન કેદની સજા થઈ હતી. ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મનાં આરોપમાં જેલમાં બંધ આસારામે કોર્ટ પાસે જામીનની માંગણી કરી હતી.