કેરળમાં આજે રવિવારે એક નવો અને ચોંકવનારો વિવાદ સામે આવ્યો છે. જેમાં રાજ્યપાલે એક સાથે 9 યુનિવર્સિટીના કુલપતિઓના રાજીનામાં માંગી લીધા છે. રાજ્યપાલ વિભાગ તરફથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં આ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ તમામ કુલપતિઓને રાજીનામાં આપવા માટેની સમય જોગ તારીખ આપવામાં આવી છે. જેના કારણે ખળભળાટ મચી જવા પામી છે.
શું છે સમગ્ર મામલો ?
કેરળમાં આવેલી જાણીતી એપીજે અબ્દુલ કલામ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (વીસી) ની યુજીસીના નિયમોની વિરુદ્ધ નિમણૂકને રદ કરવાના તાજેતરના સુપ્રીમ કોર્ટના આદેશ સાથે, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રવિવારે રાજ્યની નવ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોના રાજીનામાની માંગ કરતા ખળભળાટ મચી જવા પામી છે. રાજ્યપાલ વતી કેરળ રાજભવન દ્વારા કરવામાં આવેલા ટ્વિટ મુજબ એપીજે અબ્દુલ કલામ ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું નામ પણ નવ વાઇસ ચાન્સેલરોમાં સામેલ છે. રાજભવન દ્વારા યુનિવર્સિટીઓના કુલપતિઓને તાત્કાલિક અસરથી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે, રાજ્યપાલ વતી અન્ય એક ટ્વિટમાં, રાજભવને કુલપતિઓને 24 ઓક્ટોબર, સોમવારે સવારે 11.30 વાગ્યા સુધીમાં તેમના રાજીનામા મોકલી આપવાનો નિર્દેશ આપ્યો છે. રાજભવનના પીઆરઓએ કહ્યું કે વાઈસ ચાન્સેલરો અને રજિસ્ટ્રારને નોટિસ ઈ-મેલ કરવામાં આવી છે.