એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલ

લો બોલો! યુનિવર્સિટી પરીક્ષાનું પેપર છાપવાનું જ ભૂલી ગઈ, વોટ્સએપ પર મંગાવ્યું પેપર

  • રાજા સુહેલદેવ સ્ટેટ યુનિવર્સિટીમાં ફરી એકવાર ઘોર બેદરકારીનો મામલો બહાર આવ્યો

ઉત્તર પ્રદેશ, 8 મે: ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાની રાજા સુહેલદેવ સ્ટેટ યુનિવર્સિટીમાં ફરી એકવાર ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. રાજ્ય યુનિવર્સિટીમાં પાંચ દિવસમાં બીજી વખત એવું બન્યું છે કે, વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા હોય અને પેપર ન મળ્યું હોય. આ વખતે થયું કઇંક એવું કે યુનિવર્સિટીએ પરીક્ષા તો લીધી પરંતુ પ્રશ્નપત્ર છાપવાનું ભૂલી ગઈ. આ મામલો યુપીના આઝમગઢ જિલ્લામાં સ્થિત મહારાજા સુહેલદેવ સ્ટેટ યુનિવર્સિટીનો છે. યુનિવર્સિટીમાં થોડા દિવસ પહેલા MAના ચોથા સેમેસ્ટરની સંસ્કૃતની પરીક્ષા દરમિયાન આ ઘટના બની હતી. હવે ઇતિહાસના પેપરમાં પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. અગાઉ પ્રશ્નપત્રને બદલે સાદા પેપર મોકલવામાં આવ્યા હતા. આ વખતે વોટ્સએપ પર પેપર મંગાવીને પરીક્ષા યોજવામાં આવી.

મંગળવારે મહારાજા સુહેલદેવ સ્ટેટ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓ MA પ્રાચીન ઇતિહાસનું પેપર આપવા ગયા હતા. પરંતુ યુનિવર્સિટીએ પેપર પ્રિન્ટ પણ કરાવ્યું ન હતું. પરીક્ષા શરૂ થયાની 45 મિનિટ બાદ કેન્દ્ર સંચાલકોએ પરીક્ષાનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર મંગાવ્યું અને તેને પ્રિન્ટ કરીને ઉમેદવારોને વિતરણ કર્યું. હવે આ બાબતની નોંધ લેતા યુનિવર્સિટીના કુલપતિએ પરીક્ષા સમિતિની બેઠક બોલાવી છે.

યુનિવર્સિટી પોતે પેપર છાપવાનું ભૂલી ગઈ!

અહેવાલ મુજબ, MA પ્રાચીન ઇતિહાસની પરીક્ષા મંગળવારે સવારે 8 વાગ્યાથી નક્કી કરવામાં આવી હતી. પેપર ન આવતા સંચાલકોએ યુનિવર્સિટી વહીવટીતંત્રનો સંપર્ક કર્યો હતો. ત્યારે યુનિવર્સિટી પોતે પેપર છાપવાનું ભૂલી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. રજીસ્ટ્રારે તાત્કાલિક કેન્દ્ર સંચાલકોના વોટ્સએપ પર પેપર મોકલી આપ્યા હતા. જે કેન્દ્રના સંચાલકો દ્વારા પ્રિન્ટ કરીને ઉમેદવારોને આપવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે, આઝમગઢ અને મઊ જિલ્લાની 454 કોલેજો મહારાજા સુહેલદેવ સ્ટેટ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે.

પાંચ દિવસ પહેલા પણ આવી ઘટના બની હતી

આ દિવસોમાં મહારાજા સુહેલદેવ સ્ટેટ યુનિવર્સિટીમાં સેમેસ્ટર પરીક્ષાઓ યોજાઈ રહી છે. 2જી મેના રોજ MA ચોથા સેમેસ્ટરના સંસ્કૃત વિષયની પરીક્ષા હતી. પ્રશ્નપત્રને બદલે યુનિવર્સિટીએ કેન્દ્રોને એક પરબિડીયુંમાં સાદા પેપર મોકલ્યા હતા. જેના કારણે પરીક્ષા રદ્દ કરવી પડી હતી. આ બાબતની પણ નોંધ લઈને કુલપતિએ રજીસ્ટ્રાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો.

આ પણ જુઓ: વાહ ગજબ! મત આપ્યો અને હીરાની અંગૂઠી મળી, જાણો કેવી રીતે લાગી આ લોટરી

Back to top button