રાજકોટમાંથી ઝડપાઇ ઠગ ત્રિપુટી, લોકોને એકના ડબલ કરી આપવાની આપતી હતી લાલચ
રાજકોટ શહેરમાં કુવાડવા મેઇન રોડ ઉપર રહેતા એક આંગડિયા પેઢીના કર્મચારીને એકના ડબલ કરી આપવાની લાલચ આપી વિધિ કરવાના બહાને મહિલા સહિતના શખસો દ્વારા રૂ. 11 લાખનો ચુનો ચોપડવામાં આવ્યો હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી હતી. આ ગુનામાં શહેર ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે મહિલા સહિત ત્રણ શખસોની ધરપકડ કરી છે. જ્યારે કે, ગુનામાં સંડોવાયેલા ચાર શખસોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
શું હતી સમગ્ર વિગત
મળતી માહિતી મુજબ કુવાડવા મેઇન રોડ ઉપર મહાલક્ષ્મી ડેરીની બાજુમાં રહેતા અને ગોંડલ રોડ ઉપર આવેલી આંગડિયા પેઢીમાં દશકાથી નોકરી કરતા જોરૂભા જીવાભા દરબારને થોડા સમય અગાઉ એક ઠગ ટોળકીનો ભેટો થયો હતો. તેમના દ્વારા જોરૂભાને તેઓની રોકડ એકની ડબલ કરી આપવાની લાલચ આપી એક વિધિ બતાવવામાં આવી હતી. જે લાલચમાં જોરૂભા ભોળવાઇ ગયા હતા અને તેઓ વિધિ કરવા માટે માની ગયા હતા જેથી ઠગ ટોળકી દ્વારા તેના ઘરે જઇ એક મહિલા જેને માતાજી નામ આપવામાં આવ્યું હતુ તેના દ્વારા સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતુ.
આ ષડયંત્ર મુજબ ઠગ ટોળકી પૈકી આરોપી માતાજીએ જોરૂભાના ઘરે જઇ તેમને સમગ્ર વિધિ સમજાવી વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ એક રૂમમાં જઇ ત્યાં વિધિ કરવા માટેની જુદી-જુદી સામગ્રી મંગાવી હતી અને ત્યારબાદ જે રકમ ડબલ કરવી હોય તે રોકડ મુકવા જણાવ્યું હતુ જેથી જોરૂભાએ પોતાની પાસે રહેલ રૂ. 11 લાખ રોકડ વિધિ કરવા માટે ઠગ ટોળકીના હવાલે કર્યા હતા. આ ટોળકી દ્વારા રૂ. 11 લાખની રોકડ એક વાસણમાં મુકી તેના ઉપર કપડું બાંધી દઇ રૂમ બંધ કરી અંદર વિધિ ચાલુ છે તેવું કહી જોરૂભા સહિતના પરિવારજનોને રૂમની બહાર કાઢ્યા હતા. ત્યારબાદ થોડીવાર પછી અંદરથી માતાજી સહિતની ઠગ ટોળકી નિકળી ગઇ હતી અને જે પાત્રમાં રૂપિયા બાંધી તેના ઉપર કપડુ બાંધી દેવામાં આવ્યું છે તેને પાંચ દિવસ સુધી ખોલવુ નહીં અને દરરોજ તેની અગરબત્તી કરવાથી રૂપિયા ડબલ થઇ જશે તેવું કહી ત્યાંથી નિકળી ગયા હતા. દરમિયાન આ ઘટનાને પાંચ દિવસનો સમય વિતી ગયા બાદ ઠગ ટોળકીનો જોરૂભાને ફોન આવ્યો હતો અને તેને પાત્ર ખોલી નાખવા માટેનું કહેતા જોરૂભાએ તે પાત્ર ખોલતા તેમાંથી માત્ર છૂટક આઠ-દસ ચલણી નોટ નિકળી હતી આમ પોતાની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જણાઇ આવતા તેણે બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન આ ગુનો દાખલ થતાં શહેર ક્રાઇમબ્રાંચ પીઆઇ જે.વી. ધોળા અને પીઆઇ વાય.બી. જાડેજાની સૂચનાથી ઠગ ટોળકીને ઝડપી પાડવા પીએસઆઇ એમ.જે. હુણ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે આજીડેમ ચોકડી પાસેથી બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલ માતાજી ઉર્ફે લત્તા જયંતી જીતિયા, ઇમ્તિયાઝ મહમદકાદર સિંધી અને આકાશ છગન શર્માની અટકાયત કરી હતી. ત્યારબાદ ત્રણેયને ક્રાઇમબ્રાંચ પોલીસ મથકે લઇ ગયા બાદ તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવતા તેમણે આ ગુનાની કબુલાત આપી હતી.
પોલીસે 13.75 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
જેથી પોલીસે તેઓની પાસેથી ગુનામાં ગયેલ રૂ. 11 લાખની રોકડ, એક કાર કિંમત રૂ. 2.50 લાખ, પાંચ મોબાઇલ ફોન કિંમત રૂ. 25,500 અને વિધિમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ મળી રૂ. 13,75,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓની વધુ પૂછપરછમાં તેઓની સાથે આ ગુનામાં ઇડરનો સલીમ, ચાણસ્માના સેંધા ગામનો શાંતુજી અગ્રાજી ઠાકોર, ભરતભાઇ અને જીવાભા નામના શખસો સામેલ હોવાનું જણાવતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે ઝડપી પાડેલા અને નાસતા ફરતા આરોપીઓની શું ભૂમિકા…?
શહેર ક્રાઇમબ્રાંચની ટીમે ઝડપી પાડેલા અને નાસતા ફરતા આરોપીઓની એકના ડબલ કરી આપવાની સ્કીમમાં કોની શું ભૂમિકા રહેલી છે ? તે અંગે ખુલાસો કરતા જણાવ્યું હતુ કે, આરોપી લત્તા ઉર્ફે માતાજી એકના ડબલ કરી આપવાની લાલચ માટે જે વિધિ કરવામાં આવતી હતી તેના પાટ ઉપર મુકવામાં આવેલ રૂપિયા લઇ ભાગી જતી હતી. આરોપી ઇમ્તિયાઝ આ સ્કીમ માટે ગ્રાહકોને શોધીને લાવતો હતો અને તેનો પરિચય કરાવી માતાજી તેમજ અન્ય શખસો સાથે ફોનમાં વાત કરાવતો હતો. આરોપી આકાશ શર્મા ઓલા કેબ્સ કંપનીનો ડ્રાઇવર હતો. આરોપી લત્તા ઉર્ફે માતાજીનો ફોન આવે એટલે તેને ગ્રાહકોના ઘરે ફેરા કરવા માટે જતો હતો. જ્યારે કે, અન્ય નાસતા ફરતા આરોપી સલીમ, આરોપી શાંતુજી, ભરતભાઇ અને જીવાભા નામના શખસો ગ્રાહકો શોધી ઇમ્તિયાઝને આપતા હતા તેમજ તે કયારેક માતાજી સાથે વિધિમાં જતા હતા.
ક્રાઇમબ્રાંચે ઝડપી પાડેલા શખસોએ કેટલા ગુનાની આપી કબુલાત ?
શહેર ક્રાઇમબ્રાંચની ટીમે એકના ડબલ કરી આપવાની લાલચ આપતી ઠગ ટોળકીનો પર્દાફાશ કરી એક મહિલા સહિત ત્રણ શખસોની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં તેઓએ આઠ ગુના અગાઉ આચર્યા હોય તેની કબુલાત આપી હતી જેમાં પાટણના દિઓદર ગામે પ્રજાપતિ પરિવાર, ગાંધીનગરના પીપલોદ ગામે પટેલ પરિવાર, પીપળજ ગામે દરબાર પરિવાર, મહેસાણા જિલ્લાના પીલવાઇ ગામે ઠાકોર પરિવાર, ગણેશપુરા ગામે પટેલ પરિવાર, અંકલેશ્ર્વરના એક ગામડામાં પટેલ પરિવાર, થરાદ પાસે આવેલ ગામમાં પુરોહિત પરિવાર તેમજ સુરતના વરાછામાં પટેલ પરિવાર સાથે ઠગાઇ આચરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.