ગુજરાત

ઉપલેટા નજીક અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત; વાલ્મિકી સમાજમાં છવાયો માતમ

Text To Speech

રાજકોટ(Rajkot) જિલ્લામાં બાઈક અને કાર વચ્ચે કાળમુખો અકસ્માત(Accident) સર્જાયો અને ગોઝારા અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો દ્વારા ઘાયલ યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, અકસ્માત અંગેની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી અને બંને મૃતક યુવકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

સામે આવેલી પ્રાથિમક વિગતો પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા વાડાસડા ગામની ચોકડી નજીક વેરાવળ પાર્સિંગની GJ/32/B/2071 નંબરની i20 ના કારચાલક દ્વારા GJ/10/BA/1939 નંબરની સ્પ્લેન્ડર મોટરસાયકલમાં સવાર ત્રણ યુવકોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ગોઝારા અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કાળમુખા અકસ્માતમાં મોટરસાયકલ સવાર ત્રણ યુવકો પૈકી એક યુવક સામત ઉર્ફે ભોલો ધનજીભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

જ્યારે અન્ય બીજો યુવક મહેશ ઉર્ફે મનોજ ધનજીભાઈ ચૌહાણ નામના યુવકનું ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ચાલુ સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. બંને મૃતક યુવકો સગા ભાઈઓ હોવાનું બહાર આવ્યું છે અને આ બંને મૃતક યુવકો જામજોધપુર તાલુકાના નાની ગોપ ગામના વતની હતા. અકસ્માતમાં નગીન લાલજીભાઈ ઉર્ફે લાલાભાઈ ઢાકેચા નામનો યુવક ઘાયલ થતાં સારવાર માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

નગીન લાલજીભાઈ કુતિયાણા તાલુકાના તરસાઈ ગામનો વતની છે. ત્રણેય યુવકો વાલ્મિકી સમાજના છે અને લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા માટે વાડાસડા ગામ આવ્યા હોય હતા અને પરત ફરતા સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માત અંગેની  જાણ થતા મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ કાફલો પણ હોસ્પિટલ આવી પહોચ્યો હતો અને બંને યુવકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Back to top button