ગ્રામ્ય કક્ષાએ Wi-Fi સુવિધાની સમયમર્યાદા ૩૦ મિનિટથી વધારીને એક કલાક કરાઈ
- રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્યકક્ષાએ ડિજિટલ સાક્ષરતા વધારવા નવતર અભિગમ
ગાંધીનગર, 29 ઓક્ટોબર : રાજ્યભરમાં ગ્રામ્ય કક્ષાએ વિલેજ Wi-Fi પ્રોજેક્ટ અંતર્ગત હાલ રાજ્યની આશરે ૮૦૦૦ ગ્રામ પંચાયતો ખાતેથી નાગરિકોને ૩૦ મિનિટ ફ્રી ઈન્ટરનેટની સુવિધા Wi-Fi મારફતે પુરી પાડવામાં આવે છે. તે સમય મર્યાદા હવે વધારીને એક કલાક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા માટે રાજ્યભરમાં અનેકવિધ નવતર આયામો હાથ ધરવામાં આવી રહ્યા છે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની યાદીમાં જણાવ્યાનુસાર રોજગારીની તકોનું સર્જન કરવા રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ આઇ.ટી. ક્ષેત્રને એક મજબૂત આધાર પૂરો પાડવાના શુભ આશયથી ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ OFC મારફતે ઇન્ટરનેટની સુવિધા હાલ તમામ ગ્રામપંચાયતોને આપવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ગ્રામ પંચાયતના નજીકના વિસ્તારોમાં વિવિધ નાગરિકલક્ષી સુવિધાઓ પહોંચાડીને ગ્રામ્ય સ્તરે ડિજિટલ સાક્ષરતાનો દર વધારવા અને ડિજિટલ ડિવાઈડ ઘટાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગાંધીનગર દ્વારા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની ગ્રામ પંચાયતો ખાતે Wi-Fi/ ઇન્ટરનેટ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્યકક્ષાએ વિલેજ વાઈ-ફાઈ પ્રોજેક્ટ અંતર્ગત નિ:શુલ્ક વાઈફાઈ સેવા માટેની સમયમર્યાદા ૩૦ મિનિટથી વધારીને એક કલાક માટે પ્રાયોગિક ધોરણે છ મહિના માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ વિલેજ વાઈ ફાઈ પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકોને પ્રથમ એક કલાક માટે મફત ઇન્ટરનેટની સુવિધા પુરી પાડવામાં આવશે. ત્યારબાદ નાગરીકોએ ઇન્ટરનેટના વપરાશ મુજબના નિયત નાણા ચુકવવાના રહેશે તેમ યાદીમાં વધુ જણાવાયું છે.
આ પણ વાંચો :- હસન નસરાલ્લાહના મૃત્યુ પછી આ નેતા બન્યા હિઝબુલ્લાના નવા વડા, જાણો કોણ છે