એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો

  • દીક્ષાંત સમારોહમાં ૩૯૦૬ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
  • મુખ્યમંત્રીના હસ્તે ૪૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને ૧૪ વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત થયા

અમદાવાદ, 7 જાન્યુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશાથી કહેતા આવ્યાં છે કે, શિક્ષણ એ વિકાસનો પાયો છે અને યુવાશક્તિ આ વિકાસના પાયાનો પથ્થર છે. ત્યારે આ પદવીદાન સમારોહમાં પદવી ધારક શિક્ષિત-દીક્ષિત યુવાઓના ડેમોગ્રાફીક ડિવિડન્ડ એવી યુવા શક્તિ એ પોતાની આ શક્તિનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં કરવો જોઈએ એવી પ્રેરણા તેમણે આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, યુનિવર્સિટીમાંથી શિક્ષા મેળવીને જ્યારે કોઈ વિદ્યાર્થી બહાર નીકળે છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની નવી મંઝિલ શરૂઆત થાય છે,એમ આજથી સિલ્વર ઓક યુનિવર્સિટીના પદવી મેળવનાર વિદ્યાર્થીઓની નવી મંઝિલની શરુઆત થઈ છે.

ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિકસિત ભારત માટેના ચાર સ્તંભોમાં યુવાશક્તિને ખુબ મહત્વ આપ્યું છે. એટલું જ નહી, ગુજરાતનું યુવાધન એનર્જી અને સ્કીલથી ભરપૂર છે, ત્યારે વિકસિત ભારતના નિર્માણમાં સૌ વિદ્યાર્થીઓએ પોતાની એનર્જી અને સ્કિલને કામે લગાડવાની છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નો સંકલ્પ આપ્યો છે, ત્યારે સૌ વિદ્યાર્થીઓ એ મેળવેલા જ્ઞાન અને પદવીને કેરિયર ડેવલપમેન્ટ, કેરેક્ટર ડેવલપમેન્ટ અને નેશન ડેવલપમેન્ટમાં ઉપયોગ કરવો જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ૧૦૩ યુનિવર્સિટીઝ સાથે ગુજરાત દેશમાં સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીના હબ તરીકે ઊભરી આવ્યું છે. ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ,ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિફેન્સ, રીન્યુએબલ એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોમાં આધુનિક જ્ઞાન આપતી નેશનલ યુનિવર્સિટીઝ કાર્યરત છે.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં શિક્ષણનો કાયાકલ્પ થયો છે. વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાનું જ્ઞાન ઘર આંગણે મળે એ માટે વન નેશન, વન સબ્સક્રિપ્શનનો નવતર વિચાર પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આપ્યો છે. એટલું જ નહી વન નેશન, વન સબ્સ્ક્રિપ્શન પહેલ ભારતમાં રિસર્ચ ક્ષેત્રે ગેમ-ચેન્જર સ્કીમ સાબિત થશે એમ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા ત્રીજા પદવીદાન સમારોહમાં ૩૯૦૬ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ સાથે ૪૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને ૧૪ વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત થયા હતા.

આ દીક્ષાંત સમારોહમાં પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સુપર ૩૦ કાર્યક્રમના સ્થાપક અને પદ્મશ્રી આનંદકુમાર અને વિદ્વાન વૈષ્ણવાચાર્ય ડૉ. દ્વારકેશલાલજી, સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ, વોઈસ પ્રેસિડેન્ટ, રજીસ્ટ્રાર, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ પેરેન્ટ્સ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પણ વાંચો :- CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 11મીથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’ થશે પ્રારંભ

Back to top button