મોરબીમાં 18 વર્ષ પહેલાના લાંચ કેસમાં તત્કાલિન પીઆઇને પણ આરોપી બનાવાયા
- પીઆઇના કહેવાથી જ હેડ કોન્સ્ટેબલે લાંચ લીધાની પુરાવા સાથેની દલીલ માન્ય
- એસીબી તરફથી ગુનો ન બનતો હોવાની સમરી નામંજુર
- ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટનો હુકમ
રાજકોટ એસીબી દ્વારા વર્ષ 2005માં લાંચ કેસ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પોલીસ હે.કો.પ્રતાપસિંહ વેરૂભા રાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જેથી પોલીસ ઇન્સપેક્ટર એમ.એફ.જાદવને પણ આરોપી બનાવવા અપીલ કરી હતી. જો કે, તે અરજી જે તે વખતે નામંજૂર કરવામાં આવી હતી. હવે હાઇકોર્ટ સુધી લડત આપ્યા બાદ આખરે પોલીસ ઇન્સપેક્ટરને પણ આરોપી બનાવી કેસ ચલાવવા આદેશ કર્યો છે.
હાઈકોર્ટે શું હુકમ કર્યો હતો ?
મળતી માહીતી મુજબ ફરિયાદી અમીતભાઇ વિષ્ણુભાઇ દવેએ વર્ષ 2005ની સાલમાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એફ.જાદવ અને પોલીસ હે.કો.પ્રતાપસિંહ વેરૂભા રાણા વિરૂદ્ધ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને તપાસના અંતે તપાસ કરનાર અમલદાર દ્વારા પોલીસ હે.કો.પ્રતાપસિંહ વેરૂભા રાણા વિરૂદ્ધ જ ચાર્જશીટ રજુ કર્યું હતું. પોલીસ ઇન્સપેક્ટર એમ.એફ.જાદવને આરોપી તરીકે દર્શાવ્યા ન હતા. જે કેસ મોરબી એડીશ્નલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલતા પોલીસ ઇન્સપેક્ટરને આરોપી તરીકે જોડવા અંગેની અરજી આપવામાં આવી હતી પણ જે તે વખતે રદ કરેલી અને તેની સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીમાં ગુજરાત હાઇકોર્ટે અરજીનો નિર્ણય એપેક્ષ કોર્ટના ચુકાદાને ઘ્યાને લઇ નિર્ણય કરવો તેવો હુકમ કર્યો હતો.
બીજા એડીશ્નલ સેશન્સ જજનો ચુકાદો
જે હુકમના અનુસંધાને નામદાર બીજા એડીશનલ સેશન્સ જજ વી.એ.બુદ્ધ દ્વારા એસીબી પોલીસ સ્ટેશનના સક્ષમ અધિકારી પાસે પોલીસ ઇન્સપેક્ટર એમ.એફ.જાદવ વિરૂદ્ધ ગુનો બને છે કે કેમ? તે બાબતો રીપોર્ટ તા.5-11-2022 પહેલા કોર્ટમાં રજુ કરવા હુકમ કર્યો હતો. જેમાં પોલીસ ઇન્સપેક્ટર વિરૂદ્ધ ગુનો બનતો નથી તેવી સમરી ભરી હતી પરંતુ ફરિયાદી તરફે પુરાવો અપાયો કે, પીઆઇના કહેવાથી જ લાંચની રકમ હેડ કોન્સ્ટેબલને આપવામાં આવી હતી. જે ઘ્યાને રાખી હાલની સમરી નામંજૂર કરવી જોઇએ. આમ આજે બીજા એડીશ્નલ સેશન્સ જજ વી.એ.બુદ્ધ દ્વારા આ સમરી નામંજૂર કરી આરોપી પોલીસ ઇન્સપેક્ટર એમ.એફ.જાદવ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબના ગુના અન્વયે સમન્સ કાઢવાનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ હાલની સમરીને સ્પે.એસીબી કેસ તરીકે રજીસ્ટરે લેવાનો હુકમ કરવામાં આવ્યો છે. હાલનો કેસ તથા કોર્ટમાં પેન્ડીંગ સ્પેશ્યલ એસીબી કેસ બંન્ને એક જ એફઆઇઆરમાં ઉત્પન્ન થયેલ હોય બંન્ને કેસ એક સાથે ચલાવવા તથા મુખ્ય કેસ તરીકે સ્પેશ્યલ એસીબી કેસને રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.