ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના તત્કાલીન મદદનીશ પશુપાલન નિયામકે બનાસકાંઠામાં પણ કારસ્તાન કર્યું હતું


- ડીસાના શરત ગામની મંડળીને ગેરકાદેસર ગૌચરની જમીન ફાળવી દીધી હતી\
- બનાસકાંઠામાં પણ તેમની સામે ગુનો નોંધાયો હતો
પાલનપુર : ગુજરાત રાજ્યમાં 13 ટ્રસ્ટ અને 87 ગ્રામ પંચાયતમાં કાગળ ઉપર કામગીરી બતાવીને રૂપિયા 10.15 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. આ કેસમાં આરોપીને જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે તે ના મંજૂર કરી છે. જ્યારે આ આરોપી સામે બનાસકાંઠા જિલ્લાના આગથળા પોલીસ મથકમાં 2021 માં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ડોક્ટર શશીકાંત ડાયાલાલ પટેલે બનાસકાંઠામાં 20 ઓગસ્ટ’18 થી 7 જૂન’19 સુધીમાં તેમના કાર્યક્ષેત્ર બહાર જિલ્લા પંચાયત બનાસકાંઠા હેઠળની જમીન મોજે શરત. તાલુકો ડીસા ગામની સીમના જૂના સર્વે નંબર 61 /પી1/ પી2 નવો સર્વે નંબર 332 ની હે.આર. 20-00-00 હેક્ટર ચોરસ મીટર જમીન ધી શરત સામુદાયિક સેવા સહકારી મંડળી લિમિટેડને બાગાયતી ફળ-ફળાદી ઝાડ તથા ઘાસચારાની વાવણી માટે 25 વર્ષના ભાડે પટ્ટે આપી દીધી હતી.
જે જમીન ફાળવવાનો તારીખ 22 જાન્યુઆરી’19 ના રોજ ખોટો હુકમ કર્યો હતો. જે હુકમ ખોટો હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કરી મંડળીને ગૌચરની જમીન ગેરકાયદેસર ફાળવી દીધી હતી. આ અંગેની ફરિયાદ તેમની સામે આગાઉ આગથળા પોલીસ મથકમાં નોંધાઇ હતી. આમ બનાસકાંઠામાં પણ ડોક્ટર શશીકાંત પટેલે ગેરકાયદેસર રીતે મંડળીને ગૌચરની જમીન ફાળવવાનું કરતૂત આચર્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લાના 1134 પશુપાલકોને 12.32 કરોડ રૂપિયાની સહાયના ચેકનું કરાયું વિતરણ