ગુજરાતી ફિલ્મમાંથી રૂપિયા કમાવવાની લાલચ તબીબને ભારે પડી
- ફિલ્મ બનાવવાનું કહી દંપતીએ પાંચ લોકો પાસેથી રૂપિયા 3.91 કરોડ પડાવ્યા
- તબીબ પાસે ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે 75 લાખનું રોકાણ કરાવ્યું
- છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
ગુજરાતી ફિલ્મ બનાવવાનું કહી દંપતીએ પાંચ લોકો પાસેથી રૂપિયા 3.91 કરોડ પડાવ્યા છે. ચાંદખેડાના તબીબને લાલચ આપીને 75 લાખનું રોકાણ કરાવ્યું હતું. તથા પૈસા પરત ન આપવા પડે તે માટે પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી દંપતી ફરાર થઇ ગયુ હતુ.
ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે 75 લાખનું રોકાણ કરાવ્યું હતું
વસ્ત્રાપુરમાં રહેતા દંપતીએ ચાંદખેડાના તબીબને લોભામણી સ્કીમો આપીને ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે 75 લાખનું રોકાણ કરાવ્યું હતું. આ જ રીતે દંપતીએ અન્ય ચાર શખ્સો પાસેથી 3.41 કરોડ પણ રોકાણના નામે પડાવ્યા હતા. બાદમાં પૈસા ન આપવા પડે તે માટે દંપતીએ કારસો રચીને પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ ફરાર થઇ ગયા હતા. બીજી તરફ, તબીબે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દંપતિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓક્ટોબર 2022માં જૈમીન અને અંકિતા બંનેએ ધવલને મળવા માટે ઓફિસે બોલાવ્યો
ચાંદખેડામાં રહેતા ધવલ રમેશભાઇ પટેલ એપોલો હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ તરીકે નોકરી કરે છે. દોઢેક વર્ષ પહેલા જૈમિન પટેલ સાથે એક સ્વામીજી દ્વારા ધવલને થઈ હતી. બાદમાં ધવલ અને જૈમિન બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જૈમીન અને તેની પત્ની અંકિતા અવારનવાર ધવલને મળતા હતા. ઓક્ટોબર 2022માં જૈમીન અને અંકિતા બંનેએ ધવલને મળવા માટે ઓફિસે બોલાવ્યો હતો. આથી ધવલ ત્યાં જતા બંનેએ તેને કહ્યું કે, તેઓ અર્બન ગુજરાતી અને અન્ય શોર્ટ ફિલ્મ બનાવવાનું કામ કરે છે અને પ્રોપરાયટર ફર્મમાં ફિલ્મને પ્રોડયુસ કરવા તેમજ પૂરી ફિલ્મ બનાવવા માટે ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે તો તમે પાર્ટનર બનશો તેમ કહીને લોભામણી સ્કીમો આપી હતી.
ડૉ.ધવલ પટેલે દંપતીના કહ્યા મુજબ, ફિલ્મમાં 75 લાખ રૂપિયા ઇન્વેમેન્ટ કર્યા
આટલુ જ નહીં, દંપતીએ કહ્યું કે, તમે ઇન્વેસ્ટ કરી પાર્ટનર બનવા માગતા હોવ તો પણ બની શકો છો અને ઇન્વેસ્ટ કરશો તો તમને ફ્લ્મિના રેવન્યુમાં 10%નો ભાગ આપવામાં આવશે. પાર્ટનરશીપ પણ કરાર આધારિત થશે. આથી ડૉ.ધવલ પટેલે દંપતીના કહ્યા મુજબ, ફિલ્મમાં 75 લાખ રૂપિયા ઇન્વેમેન્ટ કર્યા હતા. લાંબો સમય થવા છતાં દંપતી હિસાબ આપતું ન હોવાથી ડૉ.ધવલે ઉઘરાણી શરૂ કરતા બન્નેએ 24.90 લાખ રૂપિયા પરત કર્યા હતા. બાકીના 50.10 લાખ આપ્યા ન હતા. ત્યારે આ ફરિયાદ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે.