ગુજરાતના આ શહેરમાં તાપમાનનો પારો 10.8 ડિગ્રી પહોંચ્યો


- આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો
- દાહોદ, ડીસા, ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો
- અમદાવાદમાં આગામી સપ્તાહનું તાપમાન 11 થી 13 ડિગ્રી વચ્ચે રહેશે
ગુજરાતમાં શિયાળો શરૂ થયો છે. જેમાં નલિયામાં 10.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં હજુ વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.8 ડિગ્રીનો ઘટાડો
નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, હવે આગામી પાંચ દિવસ નલિયાનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે. બીજી બાજુ અમદાવાદમાં 13.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત ગત રાત્રિના અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન હતું. આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
દાહોદ, ડીસા, ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો
હવામાન નિષ્ણાતોને મતે, અમદાવાદમાં આગામી એક સપ્તાહનું તાપમાન 11 થી 13 ડિગ્રી વચ્ચે રહેતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ગત રાત્રિના રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ઠંડીનો ચમકારો અનુભવાયો તેમાં દાહોદ, ડીસા, ગાંધીનગર અને રાજકોટનો પણ સમાવેશ થાય છે.