વિજ્ઞાન ક્ષેત્રે નવી શોધ, બાળકોને ભણાવે છે રોબટ
ટેક્નોલોજીની બાબતમાં દુનિયા ઘણી આગળ વધી ગઈ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે હવે ઘણા કાર્યોને સરળ બનાવ્યા છે અને તેનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. ક્યાંક AI દ્વારા તૈયાર કરાયેલા રોબોટ્સ પાસેથી વેઈટર્સનું કામ લેવામાં આવી રહ્યું છે તો ક્યાંક તેનો ઉપયોગ ડિલિવરી માટે કરવામાં આવી રહ્યો છે. હવે રોબોટ્સે પણ કલાસરૂમમાં એન્ટ્રી મારી છે અને શિક્ષકોની જગ્યા લઈ લીધી છે. રોબોટ શિક્ષકો હવે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. હૈદરાબાદની ઇન્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક રોબોટ મેમ છે, જે બાળકોને ભણાવે છે.
ઈગલ રોબોટ ભણાવે છે બાળકોને
એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં આ પહેલીવાર છે જ્યારે બાળકોને રોબોટ દ્વારા શીખવવામાં આવી રહ્યું છે. આ રોબોટ્સને ઈગલ રોબોટ નામ આપવામાં આવ્યું છે. ઇન્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલે તાજેતરમાં તેલંગાણાના શિક્ષણ મંત્રી પી સબિતા ઇન્દ્ર રેડ્ડીને રોબોટનું પ્રદર્શન બતાવ્યું હતું. તેની પાછળનો હેતુ આ રોબોટ્સને સરકારી શાળાઓમાં બાળકોને ભણાવવા માટે મોકલવાનો છે. વાસ્તવમાં, ઇન્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલે હૈદરાબાદ, બેંગ્લોર અને પુણે સ્થિત તેની ત્રણ શાળાઓમાં બાળકોને ભણાવવા માટે 21 અત્યંત ઇન્ટરેક્ટિવ ઇગલ રોબોટ્સ તૈનાત કર્યા છે.
રોબોટ્સના સ્થાપકે શું કહ્યું?
ઈન્ડસ ટ્રસ્ટના સીઇઓ અને સ્થાપક અર્જુન રેએ જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે શિક્ષણ એ સામાજિક-આર્થિક અંતરને દૂર કરવા માટે સૌથી શક્તિશાળી ‘બ્રહ્માસ્ત્ર’ છે. આ સૂત્રએ આપણને માણસો અને મશીનો વચ્ચેના સરળ સહકાર માટે પ્રેરણા આપી છે. અન્ય ક્ષેત્રોની જેમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને AIના એકસાથે આવવાથી શિક્ષણ પ્રદાન કરવામાં બદલાવ જોવા મળશે. શિક્ષકો ઇનોવેશન માટે ક્ષમતામાં વધારો કરી શકશે. કાર્યક્ષમ શિક્ષણ પ્રણાલી દ્વારા બનાવવામાં આવેલ યુવા પ્રતિભા આપણા અર્થતંત્રને જરૂરી ગતિ પ્રદાન કરી શકે છે.
ધોરણ 6થી 9ના બાળકોને ભણાવવામાં સક્ષમ
એવું કહેવામાં આવ્યું છે કે રોબોટ 6 થી 9 ધોરણ સુધીના બાળકોને ભણાવવામાં સક્ષમ છે. તે બાળકોને શીખવવામાં તેમજ શિક્ષકોને શીખવવામાં મદદ કરી શકે છે. રોબોટ 30 થી વધુ ભાષાઓમાં શીખવી શકે છે. પ્રશ્નોના જવાબ આપીને અને પ્રશ્નો પૂછીને શંકાઓને સ્પષ્ટ કરી શકે છે અને વર્ગના અંતે સ્વચાલિત મૂલ્યાંકન કરી શકે છે. બાળકો મોબાઈલ અને લેપટોપ જેવા ઉપકરણો દ્વારા રોબોટના મૂલ્યાંકન અને સામગ્રી સાથે જોડાઈ શકે છે.