ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજવા તંત્ર સજ્જ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભાની બેઠકો પર આગામી તા.૫ મી ડિસેમ્બર-૨૦૨૨ના રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર ચૂંટણીલક્ષી બાબતો, મતદાન મથકો પરથી સુવિધાઓ, વ્યવસ્થાઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ સ્ટાફ સહિત ચૂંટણી સંચાલનના નિયમોથી મિડીયાને માહિતગાર કરાયું હતું.

કુલ ૨૬૧૩ મતદાન મથકો પર ૨૪,૯૦,૯૨૬ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

કલેક્ટર એ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં કુલ-૯ વિધાનસભા મતવિસ્તારોમાં ૨૬૧૩ મતદાન મથકો ઉપર સવારે-૮.૦૦ થી સાંજે-૫.૦૦ વાગ્યા દરમિયાન મતદાન થવાનું છે. ત્યારે દરેક વિધાનસભા મતવિસ્તારમાં ૧-આદર્શ મતદાન મથક, ૧-દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક અને ૧-ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરાશે. દિવ્યાંગ સંચાલિત મતદાન મથકના સ્ટાફ દિવ્યાંગ કર્મચારીઓ રહેશે. ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો પર વૃક્ષારોપણ કરી લોકશાહીના પર્વની ઉજવણીની શરૂઆત કરાશે. તેવી જ રીતે દરેક વિધાનસભા મતદાર વિભાગમાં ૭ જેટલાં મહિલાઓ સંચાલિત કુલ-૬૩ સખી મતદાન મથકો બનાવાશે. આ વર્ષે નવતર પ્રયોગના ભાગરૂપે ૨૫ થી ૩૦ વર્ષના યુવા કર્મચારીઓ સંચાલિત જિલ્લામાં ૧ યુવા મતદાન મથક ઉભું કરવામાં આવશે. આ તમામ મતદાન મથકો પર વિશેષ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવશે.

કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા ૨૪,૯૦,૯૨૬ છે. જે પૈકી પુરૂષ મતદારો-૧૨,૯૩,૧૦૦ અને સ્ત્રી મતદારો-૧૧,૯૭,૮૧૪ છે અને ૧૨ થર્ડ જેન્ડરના મતદારો નોંધાયેલા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓને તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. જેમાં ૨૮૭૪- પ્રિસાઇડીંગ ઓફિસર, ૨૮૭૪-પોલીંગ ઓફીસર-૧, ૨૮૭૪- પોલીંગ ઓફીસર, ૨૮૭૪- મહિલા, ૩૦૫૬- પોલીસ જવાનો, ૫૪૪૦ હોમગાર્ડ જવાનો મળી કુલ-૧૯,૯૯૨ જેટલાં કર્મચારીઓ લોકશાહીના અવસરની ઉજવણીમાં પોતાની ફરજ નિભાવશે. ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા સ્ટાફના ટ્રાન્સપોર્ટેશન માટે ૨૮૪ જેટલી એસ.ટી.બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આદર્શ આચારસંહિતા અંતર્ગત અત્યાર સુધીમાં ૩૦ જેટલી ફરીયાદો મળી છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. જે પૈકી ૩ ફરીયાદોમાં એફ.આર.આઇ. નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા રાજકીય પક્ષોને રેલી, સભા, સરઘસની પૂર્વ મંજુરી માટે સિંગલ વિન્ડો સીસ્ટમ મારફત અત્યાર સુધીમાં ૭૨૪ મંજુરી આપવામાં આવી છે. કંપલેઇન્ટ મોનીટરીંગ સીસ્ટમ અંતર્ગત જાગૃત નાગરિકો દ્વારા cVIGIL પર ૧૫૬ જેટલી ફરીયાદો મળી છે જેનો નિકાલ કરાયો છે.

 બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજવા તંત્ર સજ્જ- humdekhengenews

સરહદ પર ફરજ બજાવતા સૈન્યના જવાનો, પોલીંગ સ્ટાફ, દિવ્યાંગજન, સિનિયર સીટીઝન અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કુલ-૨૧,૫૬૧ પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જે પૈકી અત્યાર સુધીમાં ૧૦,૩૨૩ બેલેટ પરત મળ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : બીજા તબક્કાના પ્રચાર પડધમ આજે સાંજે 5 વાગ્યાથી થશે શાંત

૧૦૦ મીટરના વિસ્તારમાં મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ

મતદાન માટે ચૂંટણી કાર્ડ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા વિવિધ ૧૨ જેટલાં માન્ય ઓળખના પુરાવા નક્કી કરવામાં આવ્યા છે. મતદાર સ્લીપ એ માત્ર મતદાન મથકની જાણકારી માટે છે તે ઓળખનો પુરાવો નથી. મતદાન મથકની ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ મોબાઇલ ફોન જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનો લઇ જઇ શકશે નહી.

મતદાન અંગે શંકા ઉપજે તો એકરારનામુ ભરવું પડશે

મતદાન પ્રક્રિયા દરમ્યાન કોઇ મતદારને પોતે કરેલા મતદાન અંગે શંકા ઉપજે તો વીવીપેટની પેપર સ્લીપની ચકાસણી માટે ચૂંટણી સંચાલન નિયમો-૧૯૬૧ના નિયમ-૪૯ MA હેઠળ કાર્યવાહી કરવાની થાય છે. જે અંગે વધુ માહિતી આપતા કલેકટરે જણાવ્યું કે, સાચો માણસ ગુનેગાર ન ઠરે અને ખોટો માણસ કોઇ ટીખળ ન કરે એ પ્રકારની પરીક્ષણ પ્રણાલી ગોઠવાયેલી છે. છતાં પણ જો આવો કિસ્સો ધ્યાનમાં આવે તો આ પરીક્ષણ અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૭ની દંડનીય જોગવાઇ મુજબ મતદારે કરેલ એકરાર ખોટો જણાય તો ૬ મહિના સુધીની કેદ અથવા ૧ હજાર સુધીનો દંડ અથવા બંને સજાને પાત્ર ગુનો બનશે.

નાગરિકો ૧૦૦ ટકા મતદાન કરે

કલેક્ટર એ લોકશાહીના આ પર્વમાં મિડીયાના સાથ સહકાર થકી દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ કરી હતી.

Back to top button