આડેધડ પાર્કિંગ કરનારા અમદાવાદીઓ સાવધાન,ટ્રાફિક જામ અને ગેરકાયદે પાર્કિંગના ‘હોટસ્પોટ’પર ત્રાટક્યું AMC
- અમદાવાદમાં ગમે ત્યાં વાહન પાર્કિગ કરાનારા લોકો સાવધાન
- ટ્રાફિક જામ અને ગેરકાયદે પાર્કિંગના ‘હોટસ્પોટ’ પર AMC ત્રાટક્યું
- ખાસ અભિયાન શરૂ કરી દબાણ હટાવવાયું
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો દિન-પ્રતિદિન વિકટ બનતા જોવા મળી રહ્યા છે.અહીં વસ્તીનાં પ્રમાણમાં અંગત વાહનોનો વપરાશ સતત વધતો જતો હોવાથી રોડ સાંકડા પડી રહ્યા છે. એવામાં કેટલાક વાહનચાલકો આડેધડ કોઈ પણ જગ્યાએ વાહન પાર્ક કરી દેતા હોય છે. વાહનચાલકો વાહન પાર્ક કરીને ઓફિસના કામે કે શોપિંગ માટે નીકળી જતા હોવાથી રોડ વધુ સાંકડા થાય છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ટ્રાફિક જામની સમસ્યાનાં નિરાકરણ માટે ગેરકાયદે પાર્કિંગને લગતા હોટસ્પોટને ટાર્ગેટ કર્યા છે અને ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં તંત્રએ આવા હોટસ્પોટ પરથી દબાણ દૂર કરવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો : નાની ઉંમરમાં ધનવાન બની જાય છે આ રાશિના લોકો, મળે છે ખૂબ સફળતા
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અભિયાન હાથ ધર્યું
પ્રાપ્ત વિગતો અનુસાર,ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કેશવબાગથી માનસી સર્કલ, જજીસ બંગલોથી પકવાન ચાર રસ્તા અને ઇસ્કોન ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તા થઈ વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર ગઈ કાલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરવામાં આવેલા આ અભિયાન હેઠળ તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરીમાં સપાટો બોલાવ્યો હતો અને ગેરકાયદે પાર્ક કરેલાં વાહનને લોક માર્યાં હતાં.આમાં ગેરકાયદે પાર્ક થતી રિક્ષાઓને પણ દૂર કરવામાં આવી હતી. આ સાથે પ્રભાત ચોક ચાર રસ્તા, ડમરુ ચાર રસ્તા, જજીસ બંગલો ચાર રસ્તા અને પકવાન ચાર રસ્તા પરથી દબાણો દૂર કરાતાં વાહન વ્યવહાર સરળ બન્યો હતો.
રોડ પરનાં લૂઝ દબાણ હટાવી વાહનને લોક કરાયા
મહત્વનું છે કે,હાઈકોર્ટ સમક્ષ તાજેતરમાં થયેલી પીઆઇએલ હેઠળ રોડ પરનાં લૂઝ દબાણ તેમજ વાહનને લોક કરીને એસ્ટેટ વિભાગની ટીમે રૂ.35,500નો દંડ વસૂલ્યો હતો. 15 ગાડી, 44 બોર્ડ-બેનર તેમજ 99 પરચૂરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને રોડ પરનાં 75 વાહનને તાળાં મરાયાં હતાં. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગની ટીમે ટ્રાફિક પોલીસની સાથે રહીને જોધપુર વોર્ડ અને સરખેજ વોર્ડમાં દબાણ હટાવવા મેગા ડ્રાઇવ હાથ ધરી હતી.આ સાથે ઈસ્કોન સર્કલથી કર્ણાવતી ક્લબ ચાર રસ્તા, પી સર્કલ ચાર રસ્તા થઈ ઉજાલા સર્કલ સુધીના એસજી હાઈવેના બંને તરફના સર્વિસ રોડ સહિતના રોડ પરથી તંત્રએ 11 લારી, 2 ટેમ્પો, 2 ગલ્લા, 3 છત્રી, 8 પ્લાસ્ટિક ટેબલ, 16 પ્લાસ્ટિક ખુરશી, 3 ગેસના બાટલા, 12 પ્લાસ્ટિક કેરેટ અને 247 પરચૂરણ માલસામાન મળીને કુલ 304 માલસામાન જપ્ત કરાયો હતો.
આ પણ વાંચો : OMG 2નું નવું ગીત હર હર મહાદેવ રિલીઝ, યુઝર્સે કહ્યું…