ટ્રેન્ડિંગનેશનલબિઝનેસલાઈફસ્ટાઈલવિશેષ

SUV કારોનો ક્રેઝ શહેરોમાં જ નહીં ભારતનાં ગામડાંમાં પણ વધી રહ્યો છે

  • ભારતના ગામડાંઓમાં SUV કારનું વેચાણ વધ્યું
  • નાની કારને છોડીને ગ્રામીણ ગ્રાહકો SUV કાર તરફ વળ્યા
  • વઘતી આવક, સારા રસ્તાઓ અને વધતી ઈચ્છાઓના કારણે ગ્રામીણ ગ્રાહકોની પહેલી પસંદ SUV કાર તરફ

HD ન્યૂઝ ડેસ્ક, 24 મે: ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર છે. અહીં દરેક પ્રકારની કાર સરળતાથી મળી રહે છે. હાલમાં જો લોકોની પસંદગીની વાત કરીએ તો SUV કારને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. કુલ કારના વેચાણમાં SUVનો હિસ્સો સતત વધી રહ્યો છે. નાની કારની સરખામણીમાં SUV કાર મોંઘી છે, પરંતુ તેમ છતાં તેનું વેચાણ મહિને મહિને વધી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ ટ્રેન્ડ માત્ર શહેરો પૂરતો જ નથી, પરંતુ આ જ ટ્રેન્ડ ભારતના ઘણા બધા ગામડાંઓમાં જોવા મળી રહ્યો છે. ગામડાના લોકો હવે આડેધડ SUVની ખરીદી રહ્યા છે.

દિલ્હી-મુંબઈ જેવા મોટા શહેરો SUVના વેચાણમાં મહત્ત્વનો ફાળો છે. પરંતુ હવે ગામડાં પણ કંઈ ઓછા નથી, તેઓ પણ ધુમ ખરીદી કરી રહ્યા છે. ઘણી કાર કંપનીઓના SUV વેચાણમાં ગામડાંના ગ્રાહકોનો નોંધપાત્ર હિસ્સો છે. ETના અહેવાલ મુજબ શહેરી અને ગ્રામીણ ભારતની આવક વચ્ચેનું અંતર ઘટ્યું છે. ગ્રામજનોની ઈચ્છાઓ વધી રહી છે, તેઓ પણ સારી જીવનશૈલી ઈચ્છે છે. આ ઈચ્છાઓ પૂરી કરવા માટે લોકો હવે SUV કારની ખરીદી કરી રહ્યા છે.

મારુતિ બ્રેઝાના વેચાણમાં ગ્રામજનોનો 43% હિસ્સો

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીની વાત કરીએ તો બ્રેઝાના વેચાણમાં 43 ટકા હિસ્સો ગામડાના ગ્રાહકો પાસેથી આવે છે. મારુતિ સુઝુકી બ્રેઝા એ નાણાકીય વર્ષ 2024માં ભારતની સૌથી વધુ વેચાતી SUV કાર છે. Hondaનું પણ કહેવું છે કે તાજેતરમાં લૉન્ચ થયેલી Elevate SUVના એક ચતુર્થાંશ ગ્રાહકો ટિયર 3 અને આસપાસના બજારોમાંથી આવે છે.

ભારતીય રિઝર્વ બેંક અનુસાર, જે વિસ્તારોની વસ્તી 49,000 થી ઓછી છે તેને (ટાયર 3-6) ગ્રામીણ વિસ્તારો કહેવામાં આવે છે. કાર કંપનીઓ ગ્રામીણ વિસ્તારોમાં એસયુવીની વધતી માંગ માટે આવકમાં વધારો, સારા રસ્તાઓ અને વધતી ઈચ્છાઓ જવાબદાર છે.

Hyundaiની ટોપ થ્રી કારમાં માત્ર SUV

જાન્યુઆરી-એપ્રિલ, 2024 વચ્ચે ગ્રામીણ ભારતમાં વેચાયેલી ત્રણેય ટોચની હ્યુન્ડાઈ કાર SUV છે. પહેલીવાર ગ્રાન્ડ i10 જેવી નાની કારનું વેચાણ ગામમાં ઘટ્યું છે. હ્યુન્ડાઈના ગ્રામીણ વેચાણમાં એક્સેટર, વેન્યુ અને ક્રેટાનો 67 ટકા બજાર હિસ્સો છે. આ દર્શાવે છે કે ગામડાઓમાં લોકોની ખરીદશક્તિ વધી રહી છે અને તેમની ઈચ્છાઓ પણ વધી રહી છે.

ટાટાના કુલ કાર વેચાણમાંથી 70% SUV

છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન ટાટા મોટર્સે ગ્રામીણ વિસ્તારોમાં વેચેલી કારમાંથી 70 ટકા એસયુવી કાર વેચી હતી. કંપનીનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોમ્પેક્ટ એસયુવીની માંગમાં ઘણો વધારો થયો છે. SUV ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આવે છે, તેથી તે ઉબડખાબડ રસ્તાઓ પર ચલાવવા માટે સરળ છે. ગ્રામીણ લોકોને પણ આ ખૂબ જ ગમી રહી છે.

આ પણ વાંચો: મેડ ઇન ઇન્ડિયા કાર: ભારતીયો માટે રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ 18-22 ટકા થશે સસ્તી!

Back to top button