

હિજાબ વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પાઘડી હિજાબ સમાન નથી, તે ધાર્મિક નથી. તેથી પાઘડીને હિજાબ સાથે સરખાવી શકાય નહીં. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેંચ હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ દાખલ કરાયેલી 23 અરજીઓની સુનાવણી કરી રહી હતી. કર્ણાટક હાઈકોર્ટે 15 માર્ચના પોતાના ચુકાદામાં રાજ્યની શાળાઓ અને કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર હિજાબ પહેરવા પરના પ્રતિબંધને યથાવત રાખ્યો હતો.

અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા રાજીવ ધવને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં એક જજ હતા જેઓ તિલક લગાવતા હતા અને પાઘડી પહેરતા હતા. કોર્ટ નંબર 2માં એક તસવીર છે જેમાં જજને પાઘડી પહેરેલી બતાવવામાં આવી છે. સવાલ એ છે કે શું મહિલાઓએ સરકારે નક્કી કરેલા ડ્રેસ કોડનું પાલન કરવું જોઈએ. અને શું હિજાબ એ ઈસ્લામની એક વિશિષ્ટ ધાર્મિક પ્રથા છે.
યુનિફોર્મ નક્કી કરવાની સત્તા સરકારને આપવામાં આવી નથી અને જો કોઈ વ્યક્તિ યુનિફોર્મથી વધારે વસ્તુ પહેરે તો તે યુનિફોર્મનું ઉલ્લંઘન નથી. તેના પર જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું હતું કે, પાઘડી હિજાબની બરાબર નથી, તે ધાર્મિક નથી, તેની હિજાબ સાથે તુલના કરી શકાય નહીં. તે શાહી રાજ્યોઓમાં પહેરવામાં આવતી હતી. મારા દાદા કાયદાની પ્રેક્ટિસ કરતી વખતે તેને પહેરતા હતા.

શું શાળામાં ધર્મ પાળવાનો અધિકાર છે?
અરજીકર્તાઓ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, હિજાબ પર પ્રતિબંધ મહિલાઓને શિક્ષણથી વંચિત કરી શકે છે. તેનાપર બેન્ચે કહ્યું કે, રાજ્ય એવું કરી રહ્યું નથી કે તે કોઈ અધિકારનો ઈનકાર કરી રહ્યું છે. રાજ્ય એવું કહે છે કે, તમે વિદ્યાર્થીઓ માટે જે ડ્રેસ નક્કી કર્યો છે કોઈપણ વ્યક્તિને ધર્મ પાળવાનો અધિકાર છે પરંતુ પ્રશ્ન એ છે કે શું આ અધિકાર નિર્ધારિત યુનિફોર્મની શાળામાં પણ લાગુ થઈ શકે છે. જે શાળામાં નિર્ધારિત ડ્રેસ હોય ત્યાં વિદ્યાર્થી હિજાબ પહેરી શકે?

એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે કહ્યું હતું કે, આ મુદ્દો ખૂબ જ મર્યાદિત છે અને તે શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત સાથે સંબંધિત છે. તેના પર કોર્ટે તેને સવાલ પણ કર્યો હતો કે, જો કોઈ યુવતી હિજાબ પહેરે છે તો સ્કૂલમાં શિસ્તનું ઉલ્લંઘન કેવી રીતે થાય છે. તેના પર ASGએ કહ્યું હતું કે, પોતાની ધાર્મિક પ્રથા અથવા ધાર્મિક અધિકારની આડમાં કોઈ એવું ન કહી શકે કે હું આવું કરવા માટે હકદાર છું તેથી હું શાળાની શિસ્તનું ઉલ્લંઘન કરવા માંગુ છું. ત્યારબાદ આ મુદ્દે કોર્ટે સુનાવણી બુધવાર પર મુલતવી રાખી હતી.