કેજરીવાલ માટે મોડી રાત્રે સુપ્રિમ કોર્ટે ન ખોલ્યા દરવાજો, આગળ શું કરશે AAP?
- ED દ્વારા અરવિંદ કેજરીવાલને આજે શુક્રવારે રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે
નવી દિલ્હી, 22 માર્ચ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં ગુરુવારે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આજે શુક્રવારે CM કેજરીવાલને ED દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી ધરપકડથી કોઈ રક્ષણ ન મળતાં ED મોડી રાત્રે તેમના ઘરે પહોંચી હતી. ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડની શક્યતાને જોતા તેમની કાનૂની ટીમે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો,પરંતુ ત્યાં પણ તેમને કોઈ રાહત ન મળી. જો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજીની સુનાવણી માટે ગુરુવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટની કોઈ વિશેષ બેંચની રચના કરવામાં આવી ન હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, કેજરીવાલની અરજી પર આજે શુક્રવારે સુનાવણી થવાની શક્યતા છે.
અરજી SCની કાર્યવાહીની યાદીમાં જોવા મળતી નથી
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેજરીવાલને EDની ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જેના થોડા કલાકો પછી, EDની ધરપકડ સામે કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી શુક્રવારની કાર્યવાહીની ટોચની અદાલતની યાદીમાં દેખાઈ ન હતી. ED દ્વારા કેજરીવાલની ધરપકડ બાદ, આમ આદમી પાર્ટીએ ગુરુવારે મોડી સાંજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
ધરપકડ દરમિયાન કાફલાને ક્યાંય રોકવું ન પડે તે માટે ચેકપોઇન્ટ મૂકવામાં આવ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ED તેમને આજે શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે. EDએ અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાનથી સીધા તેમની ઓફિસ લઈ ગયા હતા. આ સમય દરમિયાન, કાફલાને ક્યાંય રોકવું ન પડે તે માટે માર્ગમાં વિવિધ સ્થળોએ ચેકપોઇન્ટ મૂકવામાં આવ્યા હતા. ઈડી ઓફિસ તરફ જતા તમામ રસ્તાઓ કોર્ડન કરી દેવામાં આવ્યા હતા.
AAPએ દેશવ્યાપી આંદોલનની કરી જાહેરાત
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. AAP દ્વારા ધરપકડ સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ITOથી આમ આદમી પાર્ટીના કાર્યાલય તરફ જતો રસ્તો બેરિકેડ લગાવીને બંધ કરી દીધો છે. AAPના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, પાર્ટી કાર્યાલય તરફ જતા તમામ માર્ગો પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા.
આ પણ જુઓ: CM કેજરીવાલની ધરપકડના વિરોધમાં મોડી રાત્રે SC પહોંચી AAP