મહિલા જજના વાયરલ પત્ર પર સુપ્રીમ કોર્ટ એક્શનમાં આવી, જાણો શું કર્યું ?
- ઉત્તર પ્રદેશની મહિલા જજના પત્ર પર સુપ્રીમ કોર્ટે કરી કાર્યવાહી
- ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે અલાહાબાદ હાઇકોર્ટ પાસે માંગ્યો રિપોર્ટ
- મહિલા જજે CJI પાસે પત્રમાં ઈચ્છામૃત્યુની મંજૂરી આપવાની કરી માંગ
નવી દિલ્હી, 15 ડિસેમ્બર : સુપ્રીમ કોર્ટ ઉત્તર પ્રદેશના બાંદાના મહિલા જજના વાયરલ પત્ર પર એક્શન મોડમાં આવી છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ દ્વારા સમગ્ર મામલે અલાહાબાદ હાઇકોર્ટ પાસે સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના મહિલા જજે CJI ચંદ્રચુડને લખેલા પત્રમાં વિનંતી કરી છે કે, તેમને ઈચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જિલ્લા ન્યાયાધીશ(District Judge) દ્વારા તેણીની જાતીય સતામણી કરવામાં આવી છે અને મહિલા ન્યાયાધીશ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે બારાબંકીમાં પોસ્ટિંગ દરમિયાન જિલ્લા ન્યાયાધીશ દ્વારા તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તેઓ મહિલા જજને રાત્રે મળવા માટે બોલાવતા હતા. મહિલા ન્યાયાધીશનું કહેવું છે કે, તેણીએ આ અંગે ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ આજ સુધી તેની ફરિયાદ પર કોઈ સુનાવણી કરવામાં આવી નથી. તેનાથી નિરાશ થઈને તેણે ચીફ જસ્ટિસને આ પત્ર મોકલ્યો છે.
મહિલા જજનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે મોડી રાત્રે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ અતુલ એમ. કુર્હેકરને અલ્હાબાદ હાઈકોર્ટ પ્રશાસન પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગવા કહ્યું હતું. એસજીએ અલાહાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખીને મહિલા જજ દ્વારા આપવામાં આવેલી તમામ ફરિયાદોની માહિતી માંગી છે. આંતરિક ફરિયાદ સમિતિ સમક્ષ કાર્યવાહીની સ્થિતિ વિશે પણ પૂછવામાં આવ્યું છે જે ફરિયાદ સાથે સંલગ્ન છે. ઉલ્લેખનીય છે કે, મહિલા જજનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પછી સુપ્રીમ કોર્ટે આ પગલું ભર્યું છે.
મળતી માહિતી અનુસાર, CJI ચંદ્રચુડના નિર્દેશ પર તેમની ઓફિસે અલ્હાબાદ હાઈકોર્ટને આ મામલે ફરિયાદની વર્તમાન સ્થિતિ વિશે આજે 11 વાગ્યા સુધીમાં માહિતી મોકલવા કહ્યું છે. જો કે હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસે પણ મહિલા જજના જાહેર પત્રની નોંધ લીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે 13 ડિસેમ્બરે મહિલા જજની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, આંતરિક સમિતિ આ મામલાને જોઈ રહી છે, તેથી તેમાં દખલ કરવાનું કોઈ કારણ નથી.
આ પણ જાણો :સુપ્રીમ કોર્ટે અફઝલ અન્સારીની સજા ઉપર સ્ટે આપ્યો, સંસદ સભ્યપદ બહાલ