રાજસ્થાનમાં 21 માર્ચથી ચાલી રહેલી ખાનગી તબીબોની હડતાળની અસર અમદાવાદ અને ગુજરાતમાં જોવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજ્યની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રાજસ્થાનના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. ગુજરાત રાજસ્થાન સીમા નજીકના ગુજરાતના જિલ્લાઓમાં પણ દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે. એકલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના દર્દીઓમાં 30 ટકાનો વધારો થયો છે. મેડિકલ ક્ષેત્રે હબ બનેલા અમદાવાદમાં પહેલાથી જ રાજસ્થાનથી જ નહીં પરંતુ અન્ય રાજ્યો અને દેશોમાંથી પણ સારવાર માટે દર્દીઓ આવે છે. પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આરોગ્ય અધિકાર બિલના વિરોધમાં ખાનગી હોસ્પિટલોના તબીબોની હડતાળના કારણે અમદાવાદની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં રાજસ્થાનના દર્દીઓ વધુ હોય છે. પહેલા કરતા સંખ્યા પણ વધી છે. હોસ્પિટલમાં સામાન્ય દિવસે સરેરાશ 3000 દર્દીઓની ઓપીડી હોય છે, જેમાંથી 100 દર્દીઓ રાજસ્થાનના હોય છે. હડતાલને કારણે હવે રાજસ્થાનથી આવતા દર્દીઓની સંખ્યા વધીને 130 જેટલી થઈ ગઈ છે. આટલું જ નહીં દાખલ દર્દીઓમાં પણ વધારો થયો છે. અગાઉ જ્યાં રાજસ્થાનથી આવતા રોજના 11 થી 12 દર્દીઓ અહીં દાખલ થતા હતા. હવે રાજસ્થાનમાં દાખલ દર્દીઓની સંખ્યા પ્રતિદિન વધીને 15 થઈ ગઈ છે. જેના કારણે ઓપરેશનની સંખ્યામાં પણ વધારો થયો છે.
આ પણ વાંચો : KD Hospital : 40 વર્ષીય મહિલાના બંને ફેફસાનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું
અમદાવાદ સિવિલ હોસ્પિટલ માત્ર ગુજરાત જ નહિ પણ શ્રેષ્ઠ સારવારને કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી અને વિદેશથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હવે હડતાળના કારણે રાજસ્થાનથી આવતા દર્દીઓમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.