શેરબજારમાં આજે પણ પ્રારંભથી જ રેડમાર્ક જોવા મળે તેવી સંભાવના


મુંબઇ, 28 ફેબ્રુઆરી: છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં રોકાણકારોને ધોખો થઇ રહ્યો છે. અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન અને તેમના દ્વારા લેવામાં આવી રહેલા ટેરિફના નિર્ણયોએ વૈશ્વિક બજારોમાં હલચલ મચાવી છે. ત્યારે ગુરુવારે ચિપમેકર Nvidiaના નબળા ત્રિમાસિક પરિણામોને પગલે એસએન્ડપી 500 અને નાસડેક ભારે ઘટાડા સાથે બંધ આવ્યા હતા. તેની સાથે અમેરિકન અર્થંતંત્રના ડેટા પર રોકાણકારો નજર રાખીને બેઠા છે. એસએન્ડપી 500 1.59 ટકા ઘટીને સત્રને અંતે 5,861.57 પોઇન્ટ્સ પર બંધ આવ્યો હતો. જ્યારે નાસડેટ 2.78 ટકા ઘટીને 18,544.42 પોઇન્ટસ અને ડાઉ જોન્સ 0.45 ટકા ઘટીને 42,239.50 પોઇન્ટસ બંધ આવ્યો છે. ત્યારે ગિફ્ટ નિફ્ટી, એનએસઇ નિફ્ટી અને સેન્સેક્સ ગેપમાં નીચામાં ખુલે તેવી શક્યતા સેવાય છે.
નોંધનીય છે કે ભારતીય શેરબજારમાં ગઇકાલે સેન્સેક્સ ફક્ત 10 પોઇન્ટ વધીને 74612 અને નિફ્ટી પણ 25 પોઇન્ટના ઘટાડા સાથે 22,545 પર બંધ આવી હતી. આજે પણ બજાર નરમ રહેવાની ધારણા હોવાથી તેજીની લાંબા અને મોટી પોઝીશન રોકાણકારોને મોટા ખાડામાં ઉતારી શકે છે.
નોંધનીય છે ડ્રગ્સની કાળાબજારીનું કારણ આગળ ધરીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોની આયાત પર 25 ટકા ટેરિફ લાદી છે જે 4 માર્ચથી અમલમાં આવનાર છે, જેની અસર આગામી સપ્તાહે બજારમાં જોવા મળશે. તેની સાથે ચાઇનીઝ નિકાસ પર પણ વધારાની 10 ટકાની ટેરિફ લાદી છે જેણે વૈશ્વિક શેરબજારોમાં તણાવ અને દબાણમાં વધારો કર્યો છે. દરમિયાનમાં આજે આંસાલ પ્રોપર્ટીઝ, રામ સ્યુગર્સ, ફોએસ્કો ઇન્ડિયા પોતાની કમાણીની જાહેરાત કરનાર છે.
આ પણ વાંચોઃ નાણા મંત્રાલયના આ અધિકારી બનશે સેબીના નવા અધ્યક્ષ, જાણો કોણ છે?