શેરબજાર તૂટ્યું, રોકાણકારોના રૂ.8 લાખ કરોડનું ધોવાણ
- સેન્સેક્સ 739 પોઇન્ટના ઘટાડા સાથે, તો નિફ્ટી 270 પોઇન્ટના ઘટાડા સાથે થયા બંધ
- BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 446.25 લાખ કરોડ થયું
મુંબઈ, 19 જુલાઈ : આગામી સપ્તાહે મંગળવારે 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે અને તેના આગલા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. એનર્જી, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ નીચે બંધ થયા છે. BSE સેન્સેક્સ 739 પોઈન્ટ ઘટીને 80,604 પોઈન્ટ પર બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 270 પોઈન્ટ ઘટીને 24,530 પોઈન્ટ પર બંધ થયો છે.
આ પણ વાંચો : “હેપ્પી વીકએન્ડ, આભાર માઇક્રોસોફ્ટ…” સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપુર
રોકાણકારોને રૂ. 8 લાખ કરોડનું નુકસાન
ભારતીય શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 446.25 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 454.32 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 8.07 લાખ કરોડનું નુકસાન થયું છે.
ટાટા સ્ટીલના શેરમાં 5.17 ટકાનો તો જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં 4.36 ટકાનો ઘટાડો
આજના સત્રમાં ઈન્ફોસિસ 1.92 ટકા, ITC 0.89 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.53 ટકા, એચસીએલ ટેક 0.03 ટકાના વધારા સાથે બંધ થયા છે. તો ટાટા સ્ટીલ 5.17 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 4.36 ટકા, એનટીપીસી 3.51 ટકા, ટાટા મોટર્સ 3.43 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 3.28 ટકા, ટેક મહિન્દ્રા 3.16 ટકા, વિપ્રો 2.78 ટકા, પાવર ગ્રીડ 2.58 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. એનર્જી સેક્ટરના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1173 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. આ સિવાય ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, એફએમસીજી, ફાર્મા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને બેન્કિંગ શેરો નુકસાન સાથે બંધ થયા છે.
આ પણ વાંચો : આજે કમલમમાં બેઠકઃ કોણ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ? આ નામો છે ચર્ચામાં